ઈતિહાસ સાથે થઈ રહેલી છેડછાડના વિરોધમાં જરૂર પડયે બલીદાન આપવાની રાજપુતાણીઓની તૈયારી
પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં ભારે હિંસા થઈ હતી ત્યારબાદ હવે આવતીકાલે ભારત બંધનું એલાન કરણી સેનાએ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે પદ્માવત રીલીઝ કરવાને લીલીઝંડી આપ્યા બાદ કરણી સેના દ્વારા ઈતિહાસ સાથે છેડછાડ થતી હોવાના આક્ષેપ સાથે ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.
રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરણી સેનાના રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પદ્માવત ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ઉપરાંત ફિલ્મ ડિરેકટર સંજયલીલા ભણશાળીએ આવી વિવાદાસ્પદ ફિલ્મો બનાવી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે. સુપ્રીમ કોર્ટમાં ફિલ્મના અમુક સીન પર કટ મુકીને લીલીઝંડી આપી હતી. વધુમાં સુપ્રીમ કોર્ટે પોલીસ પ્રોટેકશન સાથે ફિલ્મને રીલીઝ કરવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાત રાજય સહિત દેશભરમાં પદ્માવત ફિલ્મનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે આવતીકાલે કરણી સેનાએ ભારત બંધનું એલાન આપી ફિલ્મ રિલીઝ થતી અટકાવવાની માંગ કરી છે. વધુમાં આ અંગે ક્ષત્રિય સમાજની બહેનોએ જણાવ્યું હતું કે, ભુતકાળમાં રાજપુતો સાથે રાજપુતાણીઓએ પણ બલિદાનો આપ્યો છે ત્યારે આ ફિલ્મના વિરોધમાં બલિદાન આપતા રાજપુતાણીઓ અચકાશે નહીં. પદ્માવત ફિલ્મમાં રાણી પદ્માવતીને ખોટી રીતે રજુ કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવવામાં આવી છે.