તા.૨૩ થી ૨૫ નવેમ્બર ખાતે તા.૯ ડિસેમ્બરના રોજ યોજાનાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે એડીએમનું જાહેરનામુ.
આગામી તા.૨૩ થી ૨૫ નવેમ્બર અને તા.૦૯ ડિસેમ્બરના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા અનુક્રમે મુખ્ય સેવિકા, નાયબ ચીટનીશ, સંશોધન મદદનીશ, સ્ટાફ નર્સ, કમ્પાઉન્ડર, વિસ્તરણ અધિકારી (સહકાર) અને સમાજ કલ્યાણ નિરીક્ષક (જુનીયર ગ્રેડ)ની પરીક્ષા રાજકોટ જિલ્લામાં લેવાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મી.આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય ન થાય અને ઉકત પરીક્ષામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને પરીક્ષા કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે તે માટે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
જે અંતર્ગત લેખીત પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના કામદાર સ્કૂલ ઓફ નર્સિંગ, હરિપર પાળ સ.નં.-૧૨, એનઆરઆઈ બંગલો પાછળ, દિલ્હી પબ્લિક સ્કુલની સામે, કાલાવડ રોડ-રાજકોટ પરીક્ષા કેન્દ્રમાં તા.૨૩ થી ૨૫ નવેમ્બર સુધી અને તા.૦૯ ડિસેમ્બરનાં રોજ પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્તારમાં પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં અથવા કોઈ સભા ભરવી નહીં કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન લઈ જવો નહીં તેમજ ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીધો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવું નહીં અને ઝેરોક્ષ તથા લીથોની કામગીરી કરતી દુકાનો પરીક્ષાના દિવસે અને સમયે બંધ રાખવી તેવો હુકમ ફરમાવવામાં આવ્યો છે.