એજન્સી રદ કરી પાણી પુરવઠા દ્વારા પાણી વિતરણ, પાણી વેચાણની રકમ પરત લેવા જેવા મુદાઓ અંગે ભાજપ કાર્યકરો કરશે રજુઆત
જસદણ અને વિંછીયા તાલુકામાં મહીપરી યોજનાનું પાણી વિતરણ કરતી અવધ એજન્સીનાં રમેશ હિરપરા સામે કરેલ અરજી તા.૧૬/૦૫/૨૦૧૯ અને ૨૧/૦૫/૨૦૧૯ની અરજીનાં અનુસંધાને એકપણ મુદાઓનું નિરાકરણ અને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા આગામી સોમવારે ભાજપનાં કાર્યકરો પ્રાંત ઓફિસે ધરણામાં બેસી જશે.
એજન્સી સામેનાં મુખ્ય મુદાઓમાં મોઢુકા પાણીના સંપમાં કલોરીન ગેસ, પાવડર અને ફટકડી નાખ્યા વગર વિંછીયા તાલુકાને અશુદ્ધ પાણી વિતરણ કરતા હોય તેથી અવધ એજન્સીનાં રમેશ હિરપરા સામે ફોજદારી પગલાં ભરી એજન્સીને રદ કરી જસદણ પાણી પુરવઠા ઓફિસ દ્વારા પાણી વિતરણ કરવું, રમેશ હિરપરાની આટકોટથી વિરનગર રોડ પર આવેલ યુનિક શૈક્ષણિક સંકુલમાં વિરનગર જતી પાણીની મેઈન લાઈનમાંથી મીટર વગર બિનઅધિકૃત રીતે સવાનું પાણીનું કલેકશન લીધેલ હોય તેની સામે કેમ પગલા ભરવામાં આવેલ નથી ? મોઢુકા સંપમાં કલોરીન ગેસ, પાવડર અને ફટકડી નાખ્યા વગર સરકાર પાસેથી પૈસા વસુલ કરેલ હોય અને પાણીનું વેચાણ કરેલ રકમ પરત લેવી. પાણી પુરવઠાનાં અધિકારી દ્વારા વિંછીયાથી મોઢુકા રોડ પર આવેલ ઝવેરી જીનની પાછળ કોન્ટ્રાકટર દ્વારા જે સંપ બનાવવામાં આવેલ છે તે સંપના કોન્ટ્રાકટરને મોઢુકાથી સમઢીયાળા જતી મુખ્ય લાઈનમાંથી મહીપરી યોજનાનું પાણી કોન્ટ્રાકટરને વેચાતું પાણી આપવામાં આવે છે.
ઉપરોકત બાબતે પાણી વિતરણ કરતી અવધ એજન્સીનાં રમેશ હિરપરા અને જસદણ પાણી પુરવઠાનાં જવાબદાર અધિકારી સામે કોઈ પ્રકારનાં પગલા ભરવામાં આવેલ ન હોય અને ઉપરોકત પાંચ મુદાઓનું નિરાકરણ ન થતા જસદણ પ્રાંત ઓફિસ સામે તા.૦૩/૦૬/૨૦૧૯ને સોમવારે ભાજપનાં ૨૫ કાર્યકરો સાથે રાખીને પ્રતિક ઉપવાસ ઉપર બેસવામાં આવશે. તે સમયે જે કઈ પરિસ્થિતિ ઉપસ્થિત થશે તેની તમામ જવાબદારી પાણી પુરવઠા ઓફિસનાં જવાબદાર અધિકારીની રહેશે તેમ યાદીનાં અંતમાં જણાવાયું છે.