અબતક, કીરીટ રાણપરીયા, ઉપલેટા

પાણી બચાવીને ડ્રીપ ઈરીગેશનથી ખેતીનું મહત્વ સમજી જો ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો સિસ્ટમબધ્ધ ખેતી કરે તો ધાર્યો નફો મેળવી શકે છે. ડ્રીપ પધ્ધતિ, સિસ્ટમેટીક ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન થાય છે. ઓછું નિંદામણ અને ખર્ચ પણ ઘટે તેમજ ઉચ્ચ ગુણવત્તા અને વધુ પાક મેળવી શકાય છે આ શબ્દો છે તાજેતરમાં રાજયસ્તરે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ-2019-20નો એવોર્ડ મેળવનાર પ્રગતિશીલ ખેડૂતશ્રી વિનોદભાઇ માવજીભાઇ વેકરીયાના!!

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નારણપર ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી વિનોદભાઇ વેકરીયાએ તાજેતરમાં જ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ગુજરાત આત્મા દ્વારા રાજયસ્તરનો પ્રથમ બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મેળવ્યો છે.

વર્ષ 2019માં 5000 જેટલા દાડમના ઝાડના વાવતેરમાં ઝાડદીઠ 80 કિલો દેશી ખાતર, લીંબોળી ખોળનું નિરણ, લોખંડના એંગલ, તારથી ઝાડને ટેકો આપી દાડમી ઉંચી કરી આયોજનબધ્ધ યોગ્ય માવજત કરી 3500 ગોટીકલમ અને 1500 ભગવા સિંદુરી ટીશ્યુકલ્ચર દાડમ ઉછરેલા 600 થી 900 ગ્રામના પ્રતિફળના ઉતારાની ગુણવત્તાના પગલે તેમણે દાડમના નીચા બજાર ભાવમાં પણ યોગ્ય ભાવ મેળવી રૂ.90 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

કૃષિક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના ઉત્તમ પરિણામ મેળવી અન્ય ખેડૂતોને પ્રેરણા આપવા માટે તેમને બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મળ્યો છે.

18 એકરના ફાર્મમાં 15 એકરમાં દાડમનું, બે એકરમાં ડ્રેગન અને બે એકરમાં આંબાનું વાવેતર કરેલ છે. વર્ષ 2019માં દાડમનું ઉત્તમ વાવેતર માટે રાજય સરકારનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ તાજેતરમાં મળેલ છે. કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માના હાથે શ્રી વિનોદભાઇ વેકરીયાને રૂ.50 હજારની ઈનામી રકમ, પ્રમાણપત્ર ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.