વિપશ્યના, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી, યોગદા સત્સંગ, સમર્પણ ધ્યાન જેવી વિવિધ ૧૨ સાધના પઘ્ધતિઓનું એકત્રિકરણ
સાધના અને સ્વાસ્થ્ય એ એકબીજાના પુરક છે. સાંપ્રત સમયમાં માનવ સમાજને સ્વાસ્થ્ય મેળવવા અને જાળવી રાખવા અલગ-અલગ સંસ્થાઓ પઘ્ધતિ દ્વારા સાધના કરાવે છે. તા.૧૯ને રવિવારે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન હેમુગઢવી હોલ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે સાધના અને સ્વાસ્થ્ય-એક સિકકાની બે બાજુ કાર્યક્રમ તેમજ શરીર-મન અને આત્માને ઉજાગર કરતી વિવિધ સાધના પઘ્ધતિઓ પુસ્તક વિમોચનના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્ય કરતી સંસ્થા મિશન જાગૃતમ્ વિવિધ સાધના પઘ્ધતિઓનું એકત્રિકરણ કરી, તેની માહિતી એક કાર્યક્રમની સાથે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવા જઈ રહી છે. આ સંસ્થા અત્યાર સુધીમાં વૈકલ્પિક ચિકિત્સા પઘ્ધતિઓ, બાળ સંભાળ, આયુર્વેદ, ભારતીય ગાય અને પ્રાકૃતિક ચિકિત્સા પઘ્ધતિના વિષય પર સફળતા પૂર્વક કાર્ય કરી ચુકી છે. ઉપરોકત આયોજિત કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પૂજય નિખિલેશ્વરાનંદજી આર્શિવચન આપી પુસ્તક વિમોચન કરશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્રના પ્રાંત કાર્યવાહ કિશોરભાઈ મુંગલપરા ખાસ ઉપસ્થિત રહેશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ અને સુપ્રિટેન્ડન્ટ તેમજ જાણીતા વકતા અને વૈદ્ય હિતેશભાઈ જાની સાધના અને સ્વાસ્થ્યનો સંબંધ સમજાવશે. આ કાર્યક્રમમાં વિવિધ સાધના પઘ્ધતિના રાજકોટના સંચાલકો, આચાર્યોનું તેમની સેવા, પ્રવૃતિ બદલ સન્માન કરવામાં આવશે. મિશન જાગૃતમ્ના ફાઉન્ડર ડાયરેકટર અને સુજોક એકયુપંકચરના નિષ્ણાંત તપન પંડયા દ્વારા રાજકોટની સ્વાસ્થ્યપ્રેમી જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે સંસ્થાનો તેના મોબાઈલ નં.૯૮૭૯૮ ૪૧૦૪૮ ઉપર સંપર્ક કરવા અબતકની મુલાકાતે આવેલ દિક્ષેશભાઈ પાઠક, કપીલભાઈ જોશીએ જણાવ્યું હતું.