સેન્સેક્સે ૪૬ હજારની સપાટી તોડી, નિફ્ટીમાં પણ ૧૦૦ પોઈન્ટનું ગાબડું: ડોલર સામે રૂપિયો ૯ પૈસા નબળો
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી જવા પામી છે. ઊંચા મથાળે વેચવાલી કરી મુનાફા વસૂલી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મંદીના પગલે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકા જોવા મળ્યા હતા. બેન્ક નિફ્ટીમાં પણ ભારે ધોવાણ થયું હતુ.સેન્સેકસે ૪૬ હજારની સપાટી તોડી હતી તો નિફ્ટીમાં પણ ૧૦૦ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે નવ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્સમાં આજે રેડ ઝોનમાં ખુલ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારોમાં નરમાશ ના કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી જવા પામી હતી .ઇન્ટ્રા-ડેમાં આજે ૪૬ હજારની સપાટી તોડી ૪૫૭૧૦ પોઇન્ટનો પહોંચ્યો હતો.નિફ્ટીએ પણ દિવસની સૌથી નીચી સપાટી ૧૩૩૯૯ હાંસલ કરી હતી. બેન્ક નિફ્ટીમાં આજે ૨૭૯ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૯ પૈસા નબળો પડ્યો હતો અને હાલ તો ૭૩.૬૫ ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે મોટાભાગના ઈન્ડેક્સ રેડ ઝોનમાં કામ કરી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૨૮૯ પોઇન્ટના કડાકા સાથે ૪૫૮૧૪ અને નિફ્ટી ૧૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૩૪૨૯ પર કામકાજ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે જોવા મળેલી તેજીમાં સેન્સેક્સ ૪૬૧૬૪ પોઇન્ટની લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી તો નિફ્ટી પણ ૧૩૫૪૮ પોઇન્ટની સર્વોચ્ચ સપાટીને હાંસલ કરવામાં સફળ રહ્યું હતું.