વૈજ્ઞાનિક સંશોધન, શૈક્ષણિક અને સામાજીક પ્રવૃતિઓમાં દ્વિપક્ષીય સહકારના વિકાસને ધ્યાનમાં રાખી એમ.ઓ.યુ. કરાયા
ગુજરાતની એકમાત્ર એ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ નીલાંબરીબેન દવે સાથે નોર્થ ઈસ્ટર્ન યુરોપમાંથી આવેલા લીથુનીયા યુનિવર્સિટીના પ્રોફેસરોએ મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન બન્ને યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા હતા.
આ એમ.ઓ.યુ.માં સંસ્થા અને વૈજ્ઞાનિક પરિસંવાદ, વૈજ્ઞાનિક-પ્રાયોગિક પરિષદો, સિમ્યોઝિયમ વગેરેના આયોજન, સંગઠન અને સંયુકત શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન, સંયુકત વૈજ્ઞાનિક સંશોધન પ્રકલ્પોની તૈયારી અને અમલીકરણ, સંશોધન અને શૈક્ષણિક કાર્યોના નિરાકરણ માટે સર્જનાત્મક લેખન ટીમોની સ્થાપના કરશે.
વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ, પ્રકાશનો અને તાલીમ સામગ્રીના પરીણામોનું આદાન-પ્રદાન, અદ્યતન ટેકનોલોજી અને તાલીમની પઘ્ધતિના અમલીકરણમાં અનુભવનું વિનિમય, શૈક્ષણિક સ્ટાફની તૈયારીમાં મ્યુચ્યુઅલ સહાય અપાવી, શિક્ષકો, યુવાન વૈજ્ઞાનિક અને અન્ય યુનિવર્સિટીના કર્મચારીઓને પ્રવચનો આપવાની, આધુનિક તકનીકિ અને સંશોધનની રીતોમાં સુધારા વધારા કરવા જેવા એમઓયુ આજરોજ કરવામાં આવ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ દ્વારા બન્ને યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓને અને રિસર્ચરો માટે એક નવી તક ઉભી થશે. આ મુલાકાત દરમિયાન તેઓએ એજયુકેશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપ પણ કરવાના છે.