લંપટ પ્રોફેસરને કોલેજે આવતો બંધ કરાવા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓની ઉગ્ર માંગ: પ્રોફેસર સામે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને રાવ કર્યા બાદ ભક્તિનગર પોલીસમાં રજૂઆત કરતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી દેતા વિદ્યાર્થીઓના ટોળે ટોળા એકઠાં થયા
શહેરના ગોંડલ રોડ પર આવેલી રાજકોટ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને સાંઇનાથ હોસ્પિટલના પ્રોફેસરે વિદ્યાર્થીનીની કરેલી છેડતીના પ્રશ્ર્ને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને પ્રોફેસરને કોલેજે આવતા બંધ કરવાની ઉગ્ર માંગ સાથે પોલીસ અને કોલેજના પ્રિન્સિપાલને ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ પ્રોફેસર સામે ફરિયાદ કરનાર તમામ વિદ્યાર્થીઓને ફેઇલ કરવાની પ્રિન્સિપાલે ધમકી દીધાના આક્ષેપ કર્યા હતા. ભક્તિનગર પોલીસ સ્ટાફે મધ્યસ્થી બની સમગ્ર મામલો થાળે પાડવા પ્રયાસ શરૂ કર્યા ફછે.
ગોંડલ રોડ પર જયનાથ પેટ્રોલ પંપ પાસે આવેલી હોમિયોપેથીક મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પસાર થતી હતી ત્યારે કોલેજમાં છેલ્લા ૨૩ વર્ષથી પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભાસ્કર ભટ્ટે શારીરિક છેડછાડ કર્યાની શનિવારે કોલેજના પ્રિન્સિપાલ ડો.હિતાર્થ મહેતાને ફરિયાદ કરી હતી. વિદ્યાઓર્થીની છેડતી અંગે કોલેજમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને જાણ થતા પ્રોફેસરને સબક શિકવવા ભક્તિનગર પોલીસ મથકે રજૂઆત કરવાનો નિર્ણય કરી સાત જેટલા વિદ્યાર્થીઓ ભક્તિનગર પોલીસ મથકે દોડી ગયા હતા વિદ્યાર્થીઓ પોલીસ મથકે દોડી ગયાની પ્રિન્સિપાલ ડો.હિતાર્થ મહેતાને જાણ થતા તેઓ પણ ભક્તિનગર પોલીસ મથકે દોડી ગયા હતા ત્યાં વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ આમને સામે આવી જતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ફેઇલ કરવાની ધમકી દીધાનો આક્ષેપ કરાયો હતો જ્યારે સામા પક્ષે વિદ્યાર્થીઓએ મારવાની ધમકી દિધાનો પ્રિન્સિપાલ દ્વારા આક્ષેપ કરાયા બાદ પોલીસમાં કોઇએ ફરિયાદ કરી ન હતી.
દરમિયાન સવારે ફરી વિદ્યાર્થીઓના ટોળા કોલેજ ખાતે એકઠાં થતા ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા પી.આઇ. વી.કે.ગઢવી સહિતનો સ્ટાફ હોમિયોપેથીક કોલેજ ખાતે દોડી ગયા હતા.
કોલેજના પ્રિન્સિપાલ ડો.હિતાર્થ મહેતાએ પ્રોફેસર ભાસ્કર ભટ્ટ સામે કાર્યવાહી કરવા માટે યુનિર્વસિટીને લેખિત જાણ કરી છે. તેમજ સમગ્ર પ્રકરણનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પ્રોફેસર ભાસ્કર ભટ્ટને કોલેજે ન આવવા જણાવવામાં આવ્યાનું ‘અબતક’ સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને ફેઇલ કરવા અંગેની પોતે કોઇ ધમકી ન આપી હોવાનું કહ્યું હતું. સાંઇનાથ હોમિયોપેથીક મેડિકલ કોલેજ વડોદરાની પારૂલ યુનિર્વસિટીના અંડરમાં આવતી હોવાનું જણાવ્યું હતું.