રૂ.૧.૫૮ કરોડ વસુલ કરવા શિહોરના શખ્સોએ વાડીએ ગોંધી રાખેલા પ્રોફેસરને પોલીસે મુક્ત કરાવી એકની કરી ધરપકડ
ભાવનગર પંથકના શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી અપાવી દેવાના બહાને રૂ.૧.૫૮ કરોડની ઠગાઇ કરી છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા પ્રોફેસરનું શિહોરના શખ્સોએ બળજબરીથી અપહરણ કરી પોતાની રકમ વસુલ કરવા વાડીએ ગોંધી રાખ્યાની પોલીસને જાણ થતાં પોલીસે પ્રોફેસરને મુક્ત કરાવી એક અપહરણકારની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર કાળીયાબીટમાં રહેતા અને અમરેલી ખાતે આવેલી પ્રતાપરાય કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર ધિરજલાલ દવેનું શિહોરના અરવેશ ધનજી જાની, અજય રમેશ જાની, નરેશ પરતોમ જાની, પ્રાણ ધનજી, હરગોવિંદ અને બાબા લક્ષ્મણ નામના શખ્સોએ અગીયારી ગામના રેલવે ફાટક પાસેથી કારમાં અપહરણ કરી વાડીએ ગોંધી રાખ્યાની પોલીસની પ્રોફેસરની પત્નીએ પોલીસને જાણ કરતા શિહોર પોલીસ સ્ટાફ અગીયારી ગામની વાડીમાંથી પ્રોફેસર સંજયકુમાર દવેને મુક્ત કરાવી એકની ધરપકડ કરી છે.
પ્રોફેસર સંજયકુમાર દવેએ ચારેક વર્ષ પહેલાં ભાવનગર પંથકના ૩૦ જેટલા શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી અપાવી દેવાના બહાને રૂ.૫-૫ લાખ મેળવી નોકરી ન અપાવી ઠગાઇ કરી ચારેક વર્ષથી નાસતા ફરતા હોવાથી શિહોરના નોકરી ઇચ્છુકોએ અપહરણ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે અપહરણના ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.