સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો નહીં ભરનાર પર ૧૮ ટકા લેખે વ્યાજ વસુલાશે
રાજકોટ મહાનગરપાલિકાનાં વ્યવસાય વેરા વિભાગને ચાલુ નાણાકીય વર્ષમાં એક માસમાં પ્રોફેશનલ ટેકસ પેટે ‚ા.૨.૪૮ કરોડની આવક થવા પામી છે જે ગત વર્ષની સરખામણીએ આશરે રૂ.૨૫ લાખ જેટલી વધુ છે. હાલ તમામ વોર્ડમાં વ્યવસાય વેરાની નોંધણીની કામગીરી ચાલી રહી છે. ૩૧મી સપ્ટેમ્બર સુધીમાં પ્રોફેશનલ ટેકસ નહીં ભરનાર પાસેથી ૧૮ ટકા લેખે વ્યાજ વસુલ કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાનાં લક્ષ્યાંકને પહોંચી વળવા માટે અત્યારથી જ આગોતરી કામગીરી શ‚ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત શહેરનાં તમામ વોર્ડમાં આવેલા શો-રૂમ, દુકાન, કારખાના, ઓફિસ તેમજ પેઢીઓમાં કામ કરતાં કર્મચારીઓનાં વ્યવસાય વેરાની નોંધણી કરવા વોર્ડ કક્ષાએથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
વ્યવસાય વેરાનાં નોંધાયેલા બાકીદારોને એસ.એમ.એસ. દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે. જેનાં પરીણામ સ્વરૂપ ગઈકાલ સુધીમાં વ્યવસાય વેરા પેટે રૂ.૨.૪૮ કરોડની આવક થવા પામી છે. જે ગત વર્ષની સરખામણીએ રૂ૨૫ લાખ વધુ છે. ચાલુ નાણાકીય વર્ષનો બાકી વ્યવસાય વેરો નહીં ભરનાર આસામી પાસેથી ૩૦મી સપ્ટેમ્બર બાદ બાકી વેરા પર ૧૮ ટકા લેખે વ્યાજ વસુલ કરવામાં આવશે. આગામી દિવસોમાં વ્યવસાય વેરાની વસુલાત માટે નોટીસ ફટકારવાની કામગીરી પણ શ‚ કરવામાં આવશે.