ચોપડીમાં આવતી નથી જે શાળા શીખડાવતી નથી તો છોકરાઓ કેમ બોલવા લાગે છે ગાળ: આસપાસનું વાતાવરણ અને સંગત આ કુટેવમાં મોટો ભાગ ભજવે છે: સારા શબ્દો સંબંધોનું નેટવર્ક ટકાવી રાખે છે: ગુગલે પણ ઘણા અપશબ્દોને બ્લેકલીસ્ટમાં મૂકયા છે
આજે રોડ પર બહાર ગમે ત્યાં લોકો છૂટથી અપશબ્દો બોલાય છે, ત્યારે સૌથી અકળામણ મહિલા વર્ગને થાય છે: પવર્તમાન સંજોગોમાં તો સરકારી શાળામાં પછાત વિસ્તાર કે ઝુપડપટ્ટીના બાળકો બેફામ ગાળો બોલતાં જોવા મળે છે
આપણી તળપદી ભાષામાં ઘણા શબ્દો બોલાય છે, પણ તે સ્વીકાર્ય છે, જયારે પરિવારમાં એવા શબ્દો બોલાય ત્યારે બાળકો સૌથી વધુ કેચઅપ કરી લે છે: ઓટીટી પ્લેટ ફોર્મ આવતી ફિલ્મો કે શ્રેણીમાં ખુલ્લેઆમ આવા શબ્દોનો પ્રયોગ થાય છે.
હાડકા વગરની ‘જીભ’ ઘણીવાર એવા શબ્દો બોલી નાંખે ત્યારે બધાને શરમ આવે છે. સારા શબ્દોથી સંબંધનું નેટવર્ક ટકી રહે અને અપશબ્દથી તૂટી જાય છે. ભગવાન ઇસુએ એક સંદેશમાં જણાવેલ કે જે હૈયે હોય તે હોઠે આવી જતું હોય છે. ગાળો બોલવાથી ખરેખર તો આપણો અસલી રંગ દેખાતો હોય છે. બીજા બોલતાં હોય એટલે આપણે બોલીએ તો તેનામાં અને આપણાં ફેર શું ? આજના યુગમાં યુવા વર્ગ ગમે ત્યાં ગ્રુપો વચ્ચે આજુબાજુના રાહદારીઓની ચિંતા કર્યા વગર બેફાર્મ અપશબ્દો બોલતો જોવા મળે છે. શું અપશબ્દો આપણી અસંસ્કારીતાની ઓળખ છે? દિવસે ને દિવસે આપણા સંતાનો કે યુવા વર્ગની ભાષા આટલી ‘રફ’ કેમ થતી જાય છે. પહેલા તો ભણેલા ઓછા હોવાથી અસાપાસ જે સાંભળતા તે બોલતા હતા, અને એ દિવસોમાં સંગત સારી રાખવાનો સૌ પ્રથમ નિયમ હતો. અસંસ્કારીતાને સીધો સંબંધ ગાળ કે અપશબ્દ સાથે ગણી શકાય કે નહી તે કેવી જગ્યાએ બોલાય છે. તેની ઉપર પણ નકકી થઇ શકે છે.
શાળા – કોલેજ કે શિક્ષણમાં આવ વસ્તુ કયાં શિખવતા નથી, અને ભણવાની ચોપડીમાં આવતી નથી કે મા-બાપ શિખડાવતા નથી તો આજનું જનરેશન શીખી કયાંથી આવે છે ? આ પ્રશ્ર્નનો જવાબ માત્ર એક લીટીમાં આવે કે ‘સંગત’ અને આસપાસના વાતાવરણમાંથી શીખી જાય છે. એક વસ્તુએ પણ જોવા મળે છે કે સરકારી શાળામાં ભણતાં પછાત વિસ્તારના કે ઝુંપડપટ્ટીના બાળકો બેફામ બોલતા હોય છે, જો કે તેમા બાળકોનો વાંક નથી હોતો કારણ કે તેના મા-બાપો ર4 કલાક આવી ખરાબ કે અશ્ર્લીલ ભાષાનો પ્રયોગ કરતાં જોવા મળતાં હોવાથી બાળકો આપો આપ શીખી જાય છે.
સારી ટેવો અને ખરાબ ટેવો શિક્ષણના માઘ્યમથી કે આપણા મા-બાપ તરફથી સમજ મળતી હોય કે વાત સમજાવતા હોય છતાં જો તમે અપશબ્દો બોલવા લાગો તો વાંક તમારો છે, એમા પરિવારની અસંસ્કારીતા વાત ન આવે. સંતાન જ ઉઠીયાણ પાકે તો મા-બાપ બિચારા શું કરે ? એકલતા, ચિડીયાપણું, અતિશય ગુસ્સો, ધાર્યુ ન થવું જેવી ઘણી સ્થિતિમાં માનવી ગાળ કે અપશબ્દો બોલે છે. આજની ર1મી સદીમાં છોકરીઓ પણ અપશબ્દો બોલતી જોવા મળે છે. આપણાં સૌરાષ્ટ્ર ઘણી ગાળ હવે તો સામાન્ય થતી જાય છે, અને તેનો કોઇ હવે વિરોધ પણ નથી કરતાં, શાળામાં શિક્ષકો પણ બાળકોની હાજરીમાં અપશબ્દો બોલતાં જોવા મળે છે. ત્યારે હવે આવા વાતાવરણમાં સંતાનોને કેમ બચાવવા.
દુનિયામાં પ ટકા માનવી સાંભળી શકતા નથી અને બીજા પ ટકાને વતે ખો છે સાંભળવાની સમસ્યા છે ત્યારે આપણા દેશમાં કે આપણાં પ્રાંતમાં ‘એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી નાંખવાની’ વાત સૌ કરતાં હોય છે. એક તારણ એવું પણ છે. કે નકારાત્મક વિચારો વાળા સૌથી વધુ અપશબ્દો બોલતા જોવા મળે છે. લાચારી અને મજબુરીમાં માનવીની ભાષામાં કરૂણા ભળતા તેની અસર આપણને થાય છે. તેમ ગુસ્સામાં કે ધાર્યુ ન થવાથી આજનો યુવાન ‘રફ’ શબ્દોની સાથે ઘણા અપશબ્દો બોલતો જોવા મળે છે. રોડ પરથી નીકળતાં ઘણા ગાંડાઓ કે રઝળતા ભીખારીઓ મોટે મોટેથી અપશબ્દો બોલતાં આપણે ઘણીવાર જોયા છે. આગળ ઓવરટેક કરવા હોર્નથી અસર ન પડે ત્યારે અપશબ્દોનો વરસાદ વરસતાનો અનુભવ પણ આપણને થતો હોય કે અન્ય સાથે થયાનું આપણે જોયું હોય છે.
આજકાલના જુવાનીયા સાથે મે ઘણીવાર આ બાબતે વાત કરી તો તેઓ કહે છે કે મારી સ્કુલમાં બધા ગાળો બોલે છે, તેમની સાથે અમોય બોલવા લાગ્યા. ઘણા એમ પણ કહે કે મોટા ગાળો બોલે તો વાંધો નહી પણ બાળકોએ ન બોલવી જોઇએ તો શું ગાળો બોલવાની ખાસ ઉમર હોય શકે ? રાત-દિવસ ગાળો સાંભળતા સાંભળતા હવે અમારાથી પણ બોલાય જાય છે. અમુક યુવા વર્ગેે કહ્યું કે અમારો મગજ જાય ત્યારે પ્રથમ શબ્દ ગાળ જ નીકળે છે. આજના સોશિયલ મીડિયામાં પણ હવે તો ચેટીંગમાં બેફાર્મ ગાળો યુવા વર્ગ લખે છે. એક યુવાને બહુ સારી વાત કરી કે ઘણી ગાળો માં મા-બહેન ને શું કામ વચ્ચે લવાય છે. જેની મને ખબર પડતી નથી. ગાળ, અપશબ્દ કે ખરાબ શબ્દો પ્રવર્તમાન લાઇફ સ્ટાઇલમાં બોલાતા રોજીંદો શબ્દો થઇ ગયા છે. વિદેશોમાં પણ અમુક શબ્દો અંગ્રેજીમાં ગાળ તરીકે બોલવામાં આવે છે. એક લોક વાયકા એવી પણ પ્રચલિત છે કે ગાળ કે અપશબ્દ બોલવાથી શરીરની નેગેટીવીટી બહાર નીકળી જાય છે. હોળી તહેવાર પર ફાગ ઉત્સવમાં પણ અપશબ્દો બોલવાની પ્રણાલી હજી ઘણા શહેરો કે ગામડાઓમાં પ્રચલિત છે.
આપણી આસપાસ ઘણાં લોકો વાત વાતમાં ગાળો બોલતાં હોય છે. નાનપણમાં જો બાળકથી અપશબ્દો બોલાય જાય તો મા-બાપ એવો ‘મેથી પાક’ જમાડતા કે બીજીવાર બોલતાં સો વાર વિચાર કરવો પડે. ઘણી વાર આપણી ઇચ્છા કે મન ન હોય છતાં પણ આપણાં મોઢામાંથી ગાળ નીકળી જતી હોય છે, અમુક શબ્દો તો હવે રૂટીન બોલચાલની ભાષામાં વાપરવા લાગ્યા છીએ. ઘણી વાર આ શબ્દો બોલવાનો આપણને ક્ષોભ પણ લાગતો નથી. એક સમયે ‘સાલા’ બોલવું પણ ગાળ બરાબર ગણાતું હતું. મિત્રો વચ્ચેની રૂટીન બોલચાલમાં આવા શબ્દો બોલાઇ જાય ત્યારે ખોટું પણ લાગી જતું હોય છે. બીજા પર ખીજાઇને બે ત્રણ ગાળ આપી દીધા બાદ આપણને શાંતિ મળે છે.
અપશબ્દો બોલીને આપણે ગુસ્સાને કન્ટ્રોલ કરીએ છીએ !
માણસ ગુસ્સામાં કે ધાર્યુ ન થવાના સમયે ગાળ કે અપશબ્દનો પ્રયોગ વધુ કરતો હોય છે, એક સર્વેના રોચક તારણમાં એવું જાણવા મળ્યું કે અપશબ્દો બોલીને આપણે ગુસ્સાને કંટ્રોલ કરીએ છીએ. કોઇને ગાળ દીધા બાદ હ્રદય – મનને શાંતિ સાથે સુખનો અનુભવ થાય છે. નકારાત્મક વિચારોન કારણે જ આવી બોલવાની ટેવ વિશેષ જોવા મળે છે. આજના યુગમાં અભણ કરતાં શિક્ષિત લોકો ગાળ વધુ બોલતા જોવા મળે છે. આપણને સમસ્યા કે મુશ્કેલી સમયે લડવાની શકિત અપશબ્દો આપણાં હોય છે. ગમે તે ઝગડામાં શરૂઆત ગાળોના વરસાદથી થતી હોય છે, ગાળો બોલતો હોય અને તેને ટપારો તો પણ આજે ઝગડા થયા ઘણાન બનાવો જોવા મળી રહ્યા છે. બાળકો જોઇને સાંભળીને ગાળો શીખી જતાં હોય છે. માતા-પિતા એ તેને બોલેલા ખોટા શબ્દના સ્થાને સાચો શબ્દ જણાવવો અને ખાસ તેની સંગત પર નજર રાખવી જરુરી છે.