સાચી વાત સમજાવવા સરકાર નિષ્ફળ નિવડી: ઉદ્યોગજગત આંદોલનકારીઓને સમજાવવા મેદાને
હાલ છેલ્લા ૨૦ દિવસથી સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનનું રણશીંગુ ફૂંકાયું છે. દેશભરના ખેડૂતો નવા કૃષિ વિધેયકના વિરોધમાં આંદોલનકારી બન્યા છે. પંજાબ, હરીયાણાથી શરૂ થયેલું આંદોલન હાલ દેશવ્યાપી બન્યું છે. આંદોલનના કારણે દરરોજ ખુબ મોટી નુકશાની પણ થઈ રહી છે. જેનાથી ફક્ત ખેડૂત નહીં પરંતુ દેશના તમામ વર્ગને અસર થઈ રહી છે. કેન્દ્ર સરકારે અવાર-નવાર બેઠકનો દૌર યથાવત રાખી આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવા પ્રયત્ન કર્યા છે. પરંતુ કૃષિ વિધેયક અંગેની સમજણ આપવામાં ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે. ખરેખર કૃષિ વિધેયક ખેડૂતો માટે કેટલું હિતકારી છે તે વાત સમજાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખેડૂતોના મનમાં એવી ગ્રંથી બંધાઈ છે કે, નવા કૃષિ વિધેયકને કારણે ઉદ્યોગ જગત કૃષિ ક્ષેત્ર પર હાવી થશે અને દેશમાં ખેડૂતોનું અસ્તિત્વ જોખમાશે. ઉપરાંત ટેકાના ભાવે થતી ખરીદીની પ્રથા પણ નાબૂદ થશે, એપીએમસી પણ નાબૂદ થશે. આ તમામ બાબતોના વિરોધમાં આંદોલનકારીઓ દિલ્હીના આસપાસના વિસ્તારમાં છાવણી નાખીને બેઠા છે. દિન-પ્રતિદિન આંદોલન વધુ ઉગ્ર બનવાની શકયતા છે. ત્યારે સીઆઈઆઈએ દ્વારા ખેડૂતોને કૃષિ વિધેયક અંગે સમજણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
દેશભરમાં ચાલી રહેલા કૃષિ સુધારા બીલ સામેના આંદોલનના માહોલ વચ્ચે ઔદ્યોગીક સંસ્થા સર્ટીફાઈડ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ એનાલીસ્ટ (સીઆઈઆઈએ) કૃષિ વિધેયકના ફાયદા અંગે નિવેદન આપ્યું હતું કે, આ કાયદો બજારની સ્થિતિ અને ખેડૂતોની આવકમાં વધારો કરવા નીમીત બનશે. સીઆઈઆઈએએ ઉમેર્યું છે કે, ખેડૂતો આંદોલનકારી બન્યા છે ત્યારે આંદોલનમાં રાજકારણનો છાંટો આંદોલનકારીઓના આંખે પાંટા બાંધી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં મુકી પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે ખેડૂતોએ કૃષિ વિધેયકના ફાયદા સમજી તેના વિરોધની જગ્યાએ સમર્થન કરવું જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું છે કે, ખેડૂતોને ભય છે કે, નવા કૃષિ વિધેયકના કારણે ઉદ્યોગ જગત કૃષિ ક્ષેત્ર પર હાવી થઈ જશે પરંતુ ક્યારેય કોઈપણ ઉદ્યોગ સુદ્રઢ કૃષિ ક્ષેત્ર વિના વિકાસ કરી શકે નહીં. ઉદ્યોગના વિકાસ માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ પણ સમાંતરરૂપે થાય તે જરૂરી છે.
આઈટીસીના અધ્યક્ષ સંજીવ પુરીએ જણાવ્યું હતું કે, ઉત્પાદકતામાં વધારો, માળખાગત સુવિધાનું આધુનિકીકરણ, કૌશલ્યનું કેન્દ્રીકરણ, કૃષિ ક્ષેત્રને વધુ સમક્ષ બનાવી બજારમાં વ્યાપ વધારવામાં મદદરૂપ બનશે. નવા કૃષિ વિધેયકના અમલીકરણ બાદ કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન આવશે. સંજીવ પરી સીઆઈઆઈએના રાષ્ટ્રીય પરિષદના પણ અધ્યક્ષ છે. તેમણે કહ્યું હતું કે, આ નીતિ અને જાહેરાતો કૃષિ ક્ષેત્રને અને ઉદ્યોગજગતને પરસ્પર જોડી દેશે. જેનાથી બન્ને ક્ષેત્રનો સમાંતર વિકાસ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સુધારો ખેડૂતોને ભાવ નહીં મળવાના જોખમને ઘટાડશે, વેંચાણની તકો વધારશે અને ખેડૂતોને સારા ભાવ પણ અપાવશે. આ અંગે નેસ્લેના અધ્યક્ષ સુરેશ નારાયણે જણાવ્યું હતું કે, કૃષિ સુધારણા બીલ ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રને વેગ અને માઈક્રો ફૂડ પ્રોસેસીંગને વધુ મજબૂત બનાવશે.
સીઆઈઆઈએ દ્વારા જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, સિંચાઈ યોજનાની કાર્યક્ષમતા, પાણી વપરાશમાં સુધારો, પુરવઠા સાંકળ, વ્યવસ્થાપન અને સુવિધાઓમાં વધારો થશે. રસનાના અધ્યક્ષ પીરજ ખામટાએ ઔદ્યોગીક કલ્સ્ટર નજીક પરિવહન સહિતની વિનીમય વ્યવસ્થા ઉભી થશે તેવું જણાવ્યું હતું. ઉદ્યોગનો વિકાસ ચોક્કસ થશે પરંતુ સાથો સાથ કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થશે તેવું પણ જણાવ્યું હતું. ડીસીએમ શ્રીરામના ચેરમેન અજય શ્રીરામે ખેડૂતો માટે આ કાયદો લાભકારક અને ઉદ્યોગો માટે અસરકારક માહોલ ઉભુ કરશે તેવું જણાવ્યું હતું.