૩૦૦ વિઘા જમીનમાં ૩ હજાર આંબાનો આયુર્વેદિક ઉછેર
ખેત ઉત્પાદન મેળવવા કોઇ રસાયણિક દવા છંટકાવ કરાતો નથી
અહીં પ્રાકૃતિક ખેતીની સાથે પ્રાણ ચિકીત્સા, ડિસ્ટન્સ હિલીંગ, નેચરોપેથી, કુંડલિની યોગ અને ખેડૂતોને જાગૃત કરવા શિબિર પણ યોજાય છે
સૌરાષ્ટ્રની ધરતી પર ઝેર વગરનું ઓર્ગેનિક ખેત ઉત્પાદન ઘણી જગ્યાએ થઈ રહ્યું છે. લોકો તેમના તંદુરસ્ત આરોગ્ય માટે ઓર્ગેનિક અનાજનું સેવન કરવા માટે હંમેશા આગ્રહ રાખતા હોય છે. સજીવ ખેતીની સાથોસાથ હવે આધ્યાતમિક ખેતી પણ થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી કરી મેળવેલા ખેત ઉત્પાદનમાં અલગ જ મિઠાશ હોય છે. ત્યારે કોડીનાર તાલુકાના વલાદર ગામે આવેલ આધશક્તિ આશ્રમ ખાતે સજીવ/આધ્યામિક વિશેષ ખેતી થઈ રહી છે.
આશ્રમના સંચાલક સ્વામી મિલનભાઈએ જણાવ્યું હતું કે, સજીવ/આધ્યમિક ખેતીમાં ગુજરાત રાજ્ય મોડેલ બની શકે તેમ છે. અહિંયા સંપુર્ણ ઓર્ગેનિક આંબાનો ઉછેર અને શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ઝેર વગરનું આરોગ્યપ્રદ શુધ્ધ ખેત ઉત્પાદન થાય છે. આ આશ્રમ ખાતે થતી ખેતી એ ખેડૂતોને સજીવ/આધ્યામિક ખેતી કરવા માટેનું જીવંત પ્રેરણાત્મક ઉદાહરણ છે. અંદાજીત ૩૦૦ વિધા જમીનમાં ૩ હજાર આંબામાં આયુર્વેદીક અને આધ્યાતમિક રીતે ઉછેર કરવામાં આવી રહ્યો છે. આંબાના વૃક્ષોને ધૂપ કરી હિલીંગ અપાય છે. કેસર, રાજાપુરી, દુધપેંડો, હાફૂસ,આંબળીની વિવિધ ત્રણ પ્રકારની જાતો સહિત ૧૦ પ્રકારની કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે. ગાય આધારિત, હોમો ફાર્મિંગ અને કોસ્મિક ફર્ટિલાઝરની સજીવ ખેતી કરવામાં આવે છે. ખેત ઉત્પાદન મેળવવા માટે કોઈપણ પ્રકારની રસાયણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. માત્રને માત્ર સજીવ ખેતી કરવામાં આવી રહી છે. ઉપરાંત બાજરો, ઘઉં, મગ, તુવેર, સોયાબીન, અડદ, તલ અને જુદા-જુદા શાકભાજીનું પણ આ પધ્ધતિ અપનાવી ઝેર વગરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમજ નવ પ્રકારના રીંગણાનું ઉત્પાદન કરવામાં આવે છે.
છેલ્લા ૨૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. ઘણા સમય પહેલા સરકારની ડ્રીપ ઈરીગેશન યોજનાનો લાભ લઈ આંબાના વૃક્ષમાં ડ્રીપ પધ્ધતિથી પાણી પીવડાવવામાં આવે છે. જેથી પાણીની બચત પણ થાય છે.
તેઓએ વધુમા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીની સાથે સાથે પ્રાણ ચિકિત્સા, ડિસ્ટન્સ હિલીંગ, નેચરોપેથી, કુંડલિનિ યોગ અને ખેડૂતોને જાગૃત કરવા માટે શિબિર અને યોગનું પણ આયોજન કરવામાં આવે છે. તેમના આશુતોષ અને પરિ બન્ને નાના સંતાનોને અત્યારથી જ આશ્રમ ખાતે આધ્યાતમિક જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ પહેલા તેમના જીવન વિશે સમજી ખેતીને સમૃધ્ધ કરવી જોઈએ. જ્યાં સુધી આપણું જીવન નહિ સમજાય ત્યાં સુધી ખેતી નોંધપાત્ર પરિણામલક્ષી પરિવર્તન નહિં આવે એટલે ખેડૂતોમાં જાગૃતિની ખાસ જરૂરીયાત છે. આરોગ્ય, સજીવખેતી અને શિક્ષણ મહત્વનું પરિબળ છે.