સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને ચરિતાર્થ કરતા ખેડૂત ચતુરભાઈ કલોલા

પ્રાકૃતિક ખેતીના અનેકવિધ ફાયદાઓ: ખેતીમાં નફો વધુ અને ખિસ્સાને ખર્ચો ઓછો

રાજકોટ તાલુકાના ગઢકાના ખેડૂત ચતુરભાઈએ ઝીરો બઝેટ ખેતી વિષે સાંભળ્યું હતું. વધુ માર્ગદર્શન તેમને કૃષિ વિભાગ દ્વારા કૃષિ મહોત્સવમાં મળ્યું, ત્યાર બાદ તેમણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષે સેમિનારમા ભાગ લિધો અને સજીવ ખેતીમાં આગળ વધવાનું નક્કી કર્યું.  બે એકર જમીનમાં બે વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતીને અનુસરી જામફળ, મરચી, લીંબુ સહિતના વિવિધ પાકનું મોડેલ ફાર્મ તૈયાર કર્યું. તેઓ આજે બીજા વર્ષે પ્રતિમાસ ૨૫ હજારથી વધુ રૂપિયાની જામફળની નીપજ મેળવે છે. માત્ર ૨૫ દિવસમાં ૫૦૦ કિલોથી વધુ જામફળ વેચી અને દર મહિને રૂ. ૨૫ હજારથી વધુની કમાણી કરી રહ્યા છે. હજી આવનારા બે થી ત્રણ મહિના સુધી જામફળનો પાક ચાલુ રહેશે. લોકોની માંગ સામે તેમનું ઉત્પાદન ઓછું પડતું હોવાનું તેઓ જણાએ છે.

આ સાથે તેમણે દેશી મરચાં પણ વાવેલા છે. આશરે ૫૦ મણ ઉત્પાદન થશે, જેનો પાવડર બનાવી બજારમાં પોતે જ વેચાણ કરશે. ફાર્મમા સરગવો વાવેલો છે જેના પાનમાથી બગીચામાં તાપમાનની જાળવણી રહે છે તેમ જ જરૂરી પોષણ પણ તેમાંથી મળી રહે છે.

7537d2f3 4

બાગાયતી ખેતીનો ખર્ચ શું ? એમ પૂછતા તેમણે જણાવ્યું કે, જામફળનો માત્ર ૬૦ રૂપિયા લેખે એક છોડ એમ કુલ  ૩૩૦ જામફળના છોડ જેની કિંમત ૧૮૫૦૦ જેટલી થવા જઈ રહી છે એ માત્ર તેમનું એક ટાઈમનું રોકાણ છે. ૧૫ વર્ષ સુધી જામફળનું ઉત્પાદન ચાલુ રહેશે, સાથોસાથ દેશી મરચા, લીંબુ અને અન્ય ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ પણ તેઓ કરી સારો એવો નફો રળી શકશે. હા કુદરતી ખાતર ’જીવા અમૃત’ બનાવવા ગોળ, કઠોળનો લોટનો ખર્ચ લાગે જેમાં ગૌમૂત્ર અને છાણ ભેળવવાનું હોય છે જે માત્ર ૧૫ દિવસે એક વાર પાણી સાથે આપવાનું હોય છે.

ખેડૂતોને શું સંદેશ આપવા માગો છો તેમ પુછતા જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી થકી ખેતીની જમીન લાંબા ગાળા સુધી સારી રહે છે. વિદેશી રાસાયણિક ખાતરનું ભારણ ઘટે છે અને ઊંચી કોટિનું ઉત્પાદન મળે છે. પાકને રોગ-જીવાતનો ખતરો પણ નહીવત રહે છે. ખેતી લાંબો સમય સુધી ટકે છે. સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ જ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે ખેડૂતોએ આ દિશામાં ચોક્કસ આગળ વધવું જોઈએ તેવું ચતુરભાઈ કહે છે.

હાલ તેમના ફાર્મની વિઝીટ રોજબરોજ અનેક ખેડૂતો લઈ રહ્યા છે જેમને ચતુરભાઈ પ્રાકૃતિક ખેતી નું માર્ગદર્શન પૂરું પાડે છે. આવનારો સમય ચોક્કસ કુદરતની સમીપે જવાનો અને કુદરતી રીતે જ કૃષિ ઉત્પાદન કરવાનો રહેશે તેમ ચતુરભાઈ અને તેમના જેવા અનેક ખેડૂતોના અનુભવ પરથી ફલિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.