સરકારના રસીકરણ પોર્ટલ કો-વીન મુજબ મહિનામાં ૫ કરોડ લોકોનું રસીકરણ, રસી ઉત્પાદકો અને સરકારના આંકડા વચ્ચે આવેલા મસમોટા તફાવતથી અનેક પ્રશ્ર્નો
ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતોથી કેટલીક રસીના ડોઝ નકામા જાય છે પરંતુ ૩ કરોડનો તફાવત માનવામાં ન આવે તેવો
ભારતમાં રસીકરણના આંકડાને લઈને હવે ખૂબ મોટું રહસ્ય સામે આવી રહ્યું છે. જેમાં સરકારી રસીકરણના આંકડા અને રસી નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલા રસી ઉત્પાદનના આંકડા એકબીજા સથે મેચ નથી કરતા. આ આંકડાનો તફાવત એટલો મોટો છે કે કોઈ યોગ્ય ખુલાસા વગર આ રહસ્ય ગળે ઉતરે તેવું નથી. ભારતમાં રસી ઉત્પાદકો મુજબ દૈનિક સરેરાશ ૨૭ લાખ જેટલી રસીનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાં હજુ સ્પુતનિક વીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે તેમ છતા મે મહિનાના પહેલા ત્રણ સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૬.૨ લાખ ડોઝ જ રસીકરણમાં ઉપયોગ લેવાયા છે આ આંકડો સરકારના કો-વીન પોર્ટલનો છે. ઉપરાંત રાજ્યો પણ સતત રસી ઓછી પડતી હોવાની બુમરાણ કરી રહ્યા છે.
આ મહિનાની શરુઆતમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના એફિડેવિટમાં જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા મહિનામાં કોવિશિલ્ડના ૬.૫ કરોડ ડોઝ ઉત્પાદન કરી રહ્યું છે. જ્યારે જ્યારે ભારત બાયોટેક કોવેક્સિનના ૨ કરોડ ડોઝ ઉત્પાદન કરી રહ્યું છે જેને જુલાઈ મહિના સુધીમાં ઉત્પાદન ક્ષમતા વધારીને ૫.૫ કરોડ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે એમ પણ જણાવ્યું હતું કે સ્પુતનીક વીનું ઉત્પાદન પણ જુલાઈન મહિનાથી વધારીને માસિક ૧.૨ કરોડ ડોઝ કરવામાં આવે છે.
સીરમ ઇન્સ્ટિટ્યુટ સતત કહેતું આવ્યું છે કે તેઓ માસિક ૬-૭ કરોડ ડોઝનું ઉત્પાદન કરી રહ્યા છે. જ્યારે ભારત બાયોટેકના સીએમડી ક્રિષ્ના એલાએ પણ કહ્યું હતું કે તેમની કંપની એપ્રિલ મહિનામાં ૨ કરોડ રસી ડોઝનું ઉત્પાદન કરી રહી હતી જેને મે મહિનામાં વધારીને ૩ કરોડ ડોઝ કરવામાં આવશે.
ઓછામાં ઓછા અંદાજીત ફિગર સાથે દરેક કેસને સમજીએ તો પણ મે મહિનામાં કોવિશિલ્ડ અને કોવેક્સીન ઉત્પાદન ૮.૫ કરોડ ડોઝ થવું જોઈએ. ૩૧ દિવસના મહિનામાં દૈનિક સરેરાશ ૨૭.૪ લાખ ડોઝ જેટલી થાય છે. આ આંકડો પણ એ અંદાજ સાથે કરવામાં આવ્યો છે કે ભારત બાયોટેક પોતાના ધાર્યા મુજબ મે મહિનામાં ૩ કરોડ ડોઝનું ઉત્પાદન નથી કરી શક્યું અને એપ્રિલની જેમ જ બે કરોડ ડોઝનું ઉત્પાદન કર્યું છે.
હવે જ્યારે કો-વીન પોર્ટલ પર રસીકરણના આંકડા પર નજર નાખીએ છીએ તો ૨૨ મે સુધીમાં ભારતમાં આ મહિને ૩.૬ કરોડની આસપાસ ડોઝ આપવામાં આવ્યા છે. જેથી ૨૨ દિવસની એવરેજ કાઢીએ તો દૈનિક સરેરાશ ૧૬.૨ કરોડ ડોઝ થાય છે. આટલી જ એવરેજ થી જો બાકીના દિવસોમાં પણ રસીકરણનો અંદાજ રાખીએ તો આ મહિનાનો અંત સુધીમાં ફક્ત ૫ કરોડ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. જોકે છેલ્લા સાત દિવસ ૧૬થી ૨૨ મે દરમિયાન આ દૈનિક એવરેજ પણ સતત ઘટી રહી છે અને ૧૬.૨ લાખથી ઘટીને ૧૩ લાખ થઈ ગઈ છે. એટલે મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં રસીકરણનો ટોટલ આંકડો ધારેલા ૫ કરોડ કરતા પણ ઘણો ઓછો આવે તો આશ્ચર્ય કરવા જેવું નથી.
હવે આપણે તો પણ એમ ધારી લઈએ કે મહિનાના અંત સુધીમાં ૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે ત્યારે પણ ઉદ્ભવેલા પ્રશ્નો એમના એમ જ રહે છે કે ૮ કરોડ ડોઝ જેટલી રસીનું ઉત્પાદન હોવા છતા ફક્ત ૫ કરોડ જેટલી જ રસી ડોઝ કેમ લગાવવામાં આવ્યા? એક શક્ય કારણ એ પણ હોઈ શકે કે પ્રાઈવેટ સેક્ટરનો ક્વોટા – ટોટલ પ્રોડક્શનના ચોથા ભાગની રસીના ડોઝનો ઉપયોગ જ નથી થયો – જેના અનેક કારણ હોઈ શકે છે જેમાં રસી ઉત્પાદકો સાથે પ્રાઈવેટ સેક્ટરની ડીલ થવામાં મોડું થવું. જોકે આ ખુલાસો પણ ત્યારે જ ગળે ઉતરી શકે જ્યારે ઉત્પાદન અને ઉપયોગ વચ્ચે આટલો મોટો તફાવત ન હોય.
બીજી તરફ રાજ્ય સરકારો સતત રસીની અછત અંગે ફરિયાદ કરી રહી છે. રવિવારે કર્ણાટકે ૧૮-૪૪ વય જૂથ માટે રસીકરણને અટકાવવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા શનિવારે દિલ્હી અને એ પહેલા ૧૨ મેના રોજ મહારાષ્ટ્રે પણ આ જ નિર્ણય જાહેર કર્યો હતો તમામ રાજ્યોએ રસીની અછત હોવાનું કારણ આપ્યું હતું. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને પ્રાઈવેટ હોસ્પિટલમાં રસીની સપ્લાય બંધ કરવા માટે માગણી કરી હતી. જેના માટે તેમને કારણ આપતા જણાવ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો રસી આપવા માટે લોકો પાસેથી મનફાવે તેવા ભાવ ઉઘરાવી રહી છે.
આ ઉપરાંત રસીની અછત હોવાનું કો-વીન પોર્ટલ પરથી સુદ્ધા સામે આવે છે જ્યાં રસીકરણ માટે સ્લોટ બૂક કરવામાં ખૂબ જ સમસ્યા નડી રહી છે. સમગ્ર દેશમાં દરેક રાજ્ય અને જિલ્લામાં લોકોને રસીકરણ માટે સ્લોટ બૂક કરાવવામાં સમસ્યા નડી રહી છે.
આ તમામ બાબતો પર નજર નાખવાથી કેટલાક પ્રશ્નો ઉત્પન્ન થાય છે. આટલી રસીનું ઉત્પાદન થાય છે તો તેનું શું થાય છે? રસી ઉત્પાદન થયા પછી લોકો સુધી પહોંચવામાં ક્યાં સમસ્યા નડી રહી છે? શું રસી રસ્તામાં જ ક્યાંક ગાયબ થઈ રહી છે કે પછી રસીની વાઇલ ટ્રાન્સપોર્ટમાં તૂટી રહી છે?
રજિસ્ટ્રેશનમાં લોચા, વારંવાર ડાઉન થતું સર્વર
૧૮ વર્ષ કે તેથી વધુ વયના લોકોને કોરોના વેક્સિન માટેના રજિસ્ટ્રેશન ગત ૬ મેથી શરૂ થયા બાદ રસીના પહેલા ડોઝના રજિસ્ટ્રેશન માટે લોકો અટવાતા હતા, લોકો રજિસ્ટ્રેશન માટે માંડ સાઇટ ખોલતા ત્યાં જ સર્વર ડાઉન થઇ જાય છે અને ૪૦૩ ફોર બિડન એરર પોપઅપ થતી હતી.રવિવારે તો આ બિલકુલ જ ડાઉન થતાં લોકો ફરી એકવાર હેરાન થયા હતા. પણ શહેરના સાઇબર એક્સપર્ટના જણાવ્યા મુજબ આવી એરર સોફ્ટવેરમાં ત્યારે જ આવે જ્યારે એડમિન જ ઇચ્છતા હોય કે ટ્રાફિક ન આવે.
આ એરર એ પણ સૂચિત કરે છે કે વેબસાઇટ કે પોર્ટલ જાહેર લોકોના વપરાશ માટે હાલમાં ઉપલબ્ધ નથી. જ્યારે આ સોફ્ટવેર પર વાઇફાઇનો ઉપયોગ કરીને જો રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરવામાં આવે છે તો તેમાં તુરંત જ ૪૦૩ ફોરબિડન એરર આવી જાય છે જ્યારે ડેટા કનેકશન પર મોબાઇલ વાપરતા આ એરર આવતી નથી.
કોવિન સોફ્ટવેર પર વધુ ભારણ ન પડે તે માટે આવું તંત્ર દ્વારા કરવામાં આવતુ હોય તેવી શક્યતા છે. શહેરમાં આજે પણ હજારો લોકો વાઇફાઇ પર જ પોતાનો મોબાઇલ ચલાવે છે ત્યારે વાઇફાઇ પર રજિસ્ટ્રેશન કરાવતા કોઇના પણ રજિસ્ટ્રેશન થતા નથી.
વેકસીનનું વેસ્ટેજ પણ વ્યાપક પ્રમાણમાં
કોરોના સામેની વેક્સિનની જાળવણી માટે તાપમાન અને સપ્લાયની કોલ્ડ ચેઈન અને વેક્સીન આપતી વખતે તેના રખરખાવ તેમજ વાયલને ખોલવાની પ્રક્રિયાનો પ્રોટોકોલ છે. જેને બરાબર રીતે અનુસરવામાં આવતું ન હોય વેસ્ટેજનું પ્રમાણ વ્યાપક છે. જેની પાછળ સરકારી તંત્રની અણવાડત જવાબદાર હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. સરકારે અગાઉ કરેલ જાહેરાત મુજબ વેક્સીનની સખત અછત વચ્ચે ગુજરાતમાં કુલ ૪,૭૯,૧૧૧ ડોઝ બાત્તલ ગયા છે.