ઇ-વ્હીકલના સ્થાનિક કક્ષાએ નિર્માણ માટે કંપનીઓને ફેમ સ્કીમના બીજા તબક્કા હેઠળ રૂ. 10 હજાર કરોડની સબસિડી અપાતી હતી, તેની ગેરરીતિ થતી હોવાની આશંકા વચ્ચે હવે યોજના બંધ કરવાની સરકારની વિચારણા
સરકાર ફાસ્ટ એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલ એટલે કે ફેમ અંતર્ગત ઇલેક્ટ્રિક વહીકલ બનાવતી કંપનીને રૂ. 10,000 કરોડની સબસીડી આપે છે. સરકાર હવે આગામી નાણાકીય વર્ષ પછી યોજનાનો બીજો તબક્કો બંધ કરે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર તેના બદલે આ ક્ષેત્રને ટેકો આપવા માટે પીએલઆઈ સ્કીમનો લાભ આપી શકે છે.આ માટે સરકારમાં વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ફેમ સ્કીમના બીજા તબક્કાને નાણાકીય વર્ષ 2024 પછી લંબાવવા માટે ઉદ્યોગે સરકારનો સંપર્ક કર્યો હતો. પણ સરકાર આ માટે તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. આ યોજના હેઠળ અપાતી સબસિડીના કથિત ગેરઉપયોગની તપાસ શરૂ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં સબસિડીનો લાભ ખોટી રીતે લેવાતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ફેમ હેઠળ, કંપનીઓ સ્થાનિક રીતે ઉત્પાદિત ઇ વાહનોની કિંમત પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે અને સરકાર તરફથી સબસિડી તરીકે તેનો દાવો કરી શકે છે.
ફેમના બીજા તબક્કાનું લક્ષ્ય છે કે દેશમાં 10 લાખ ઇવી ટુ-વ્હીલર અને 10 હજારથી વધુ ઇલેક્ટ્રિક બસો માર્ચના અંત સુધીમાં રસ્તા પર દોડતી કરવાનો છે. બસોનો લક્ષ્ય હાંસલ થઇ જશે. પણ ટુ વ્હીલરનો લક્ષ્ય હાંસલ થઈ શકે તેમ નથી એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારનું ધ્યાન ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર ઉપર કેન્દ્રિત નથી. પરંતુ જાહેર પરિવહન માટે ઉપયોગના લેવાતી બસ ઉપર છે.
કેન્દ્રએ ઓટોમોબાઈલ અને ઓટો ઘટકો માટે પીએલાઈ પ્રોગ્રામ હેઠળ રૂ. 25,938 કરોડ ફાળવ્યા છે. પીએલઆઈ સ્કીમના આ સેગમેન્ટ હેઠળ 115 જેટલી કંપનીઓએ અરજીઓ દાખલ કરી છે, જેને સપ્ટેમ્બર 2021માં સૂચિત કરવામાં આવી હતી.
આમાંથી, પાંચ ઓટો ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો એ યોજનાના બંને ભાગો માટે અરજી કરી હતી. કુલ મળીને,પીએલઆઈ પ્રોગ્રામ રૂ. 74,850 કરોડના ઓટોમોબાઈલ અને ઘટકોના ઉત્પાદનમાં સૂચિત રોકાણો આકર્ષવામાં સફળ રહ્યો છે, જેમાંથી રૂ. 45,016 કરોડ ચેમ્પિયન ઓઈએમ પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર થયેલા અરજદારોના છે.