પીએલઆઈ સ્કીમને મંજૂરી મળતા એસીની ઠંડક અને LEDની રોશની વધુ મજેદાર બનશે: 4થી 6 ટકાનું પ્રોત્સાહન મળશે
આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ આગળ ધપાવી ચીન સહિતના દેશો પરની નિર્ભરતા ઘટાડી ઘરેલુ ઉત્પાદકોને પ્રોત્સાહન મળે અને ઉત્પાદન વધે તે માટે સરકારે પ્રોડક્શન લિંકડ ઈનસેન્ટિવ સ્કીમની શરૂઆત કરી હતી. જે હેઠળ મોટાભાગના ક્ષેત્રોને આવરી લેવાયા છે. ત્યારે હવે પીએલઆઈ એટલે કે ઉત્પાદન આધારિત પ્રોત્સાહનથી એસી અને એલઈડી ઉત્પાદકોને પણ ચાંદી હી ચાંદી થઈ જશે..!!
ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના હેઠળ ઇલેક્ટ્રોનિક આઈટમમાં એર કન્ડીશનર અને એલઈડી ઉત્પાદકોનો પણ સમાવેશ કરી લેવાયો છે. જેનાથી હવે એસીની ઠંડક અને એલઈડીની રોશની વધુ મજેદાર બનશે. વર્ષ 2029 સુધી ઉત્પાદકોને આ સ્કીમનો લાભ મળશે તેમ સરકાર દ્વારા જણાવાયું છે. દૈકીન, પેનાસોનિક હિટાચી, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, હાવેલ્સ, ટીવીએસ-લ્યુકાસ, ડિકસોન અને સિસ્કા જેવી 52 કંપનીઓ કે જેમણે વ્હાઈટ ગુડ્સ અને LED લાઇટિંગ માટે PLI કાર્યક્રમ હેઠળ 5,866 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
આ યોજના નાણાકીય વર્ષ 2029 સુધી ભારતમાં બનેલા માલના વધતા વેચાણ પર 4-6% પ્રોત્સાહન આપશે. 1 એપ્રિલ, 2021 પછી કરેલા રોકાણો, યોજનામાં લાયકાત ધરાવનારાઓ પ્રોત્સાહનો માટે પાત્ર રહેશે. અનિલ અગ્રવાલ (એડ ડિડિશનલ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT))એ જણાવ્યું કે એર કન્ડીશનર અને એલઈડી મેન્યુફેક્ચરર્સને આ યોજનાનો લાભ મળતાં ઉત્પાદન વધશે તેમજ સાથે સાથે ઘરેલું માંગ સંતોષાતા નિકાસમાં પણ વધારો થશે. તેમણે જણાવ્યું કે આ યોજના ફંડ-મર્યાદિત છે અને પ્રોત્સાહનની રકમ મર્યાદિત છે. એર કંડિશનર્સ માટે અગાઉના નાણાકીય વર્ષમાં સંચિત થ્રેશોલ્ડ રોકાણના પાંચ ગણા સુધી લાયક ઉત્પાદનનું ચોખ્ખું વૃદ્ધિ વેચાણની મર્યાદા નક્કી કરાઈ છે જ્યારે એલઇડી લાઇટ્સ માટે, અગાઉના નાણાકીય વર્ષમાં સંચિત થ્રેશોલ્ડ રોકાણના છ ગણા સુધીનું ચોખ્ખું વૃદ્ધિ વેચાણ નક્કી કરાયું છે.