સભાસરઘસ, સૈનિક ગણવેશના વેચાણ ઉપયોગ પર પ્રતિબંધનું ફરમાન
અબતક, રાજકોટ
રાજકોટ શહેર પંથકમાં આગામી તહેવારો ચૂંટણીઓને અનુલક્ષી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંગીન પણે જળવાય રહે તેમાટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જાહેર સલામતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેમાં
રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં તા. 01/11/2022 થી તા. 31/12/2022 સુધી પરવાનગી વગર ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય, તેવી વ્યક્તિઓ તથા હોમગાર્ડ કે અન્ય અર્ધસરકારી એજન્સીમાં નોકરીમાં ફરજ પર હોય તેમને, સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ.
શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ/સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/મકાનો/ઓફિસો/દુકાનો/ગોડાઉનો/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશને મોકલી આપવાનું જણાવાયું છે.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ, પોલીસ ગણવેશ અને તેની સાથે સામ્યતા ધરાવતાં વસ્ત્રોનું વેચાણ તથા તેનો ઉપયોગ થકી થતી દેશદ્રોહી/ ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતાં રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા બિનઅધિકૃત રીતે સૈન્ય તથા સશસ્ત્રદળોનાં ગણવેશ તથા સૈન્ય ગણવેશ સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ કે ઉપયોગ કરવા પર તા. 1 નવેમ્બરથી 31 ડીસેમ્બર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેર સ્થળોએ મેટલ ડીટેકટર, સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવા આદેશો
.રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે તા. 1-11-2022 થી તા. 31-12-2022 સુધી બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્ટર, કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટહાઉસ, લોજીંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશ દ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવેલ છે. પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લઈ તેટલી સંખ્યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવતાવાળા વધુ રેન્જના(માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે.