સીંગદાણા કોમોડીટીમાં બોગસ બીલો બનાવનાર જૂનાગઢનાં સંજય મશરૂની ધરપકડ
જૂનાગઢ, માણાવદર, કેશોદ, ધોરાજી, માંગરોળ સહિત ૩૫ સ્થળો પર તપાસ હાથ ધરાઈ
દેશમાં કર ચોરી કરનાર કરદાતાઓ ઉપર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે કે સીબીડીટી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ સીબીઆઈટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગ કરનાર વ્યકિત અને કાંડમાં સંડોવાયેલા સુત્રોધારોને શોધી તેઓની સામે વિભાગે જરૂરી કાર્યવાહી કરી છે. બીજી તરફ બોગસ બીલીંગથી મેળવવામાં આવેલા ગેરકાયદે વેરા શાખાની વસુલાત અંગે પણ વિભાગની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગની સામેની કાર્યવાહીના ભાગરૂપે અનેકવિધ સ્થળ પર તપાસ કામગીરી કરવામાં આવેલ હતી ત્યારે તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જુનાગઢ, માણાવદર, કેશોદ, ધોરાજી, માંગરોળ વગેરે સ્થળોએ સીંગદાણાના વેપાર સાથે સંકળાયેલી પેઢીઓના કુલ ૩૫ સ્થળોએ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્થળ તપાસ કાર્યવાહી દરમિયાન ફલિત થયેલ છે કે, સંજય બાલુભાઈ મશરૂ દ્વારા મજુરીકામ તથા સામાન્ય નોકરી કરતા આર્થિક જરૂરીયાતમંદ વ્યકિતઓના દસ્તાવેજી પુરાવાઓ મેળવી ગુજરાત રાજય તથા અન્ય રાજયોમાં જીએસટી નોંધણી નંબરો મેળવવામાં આવ્યા હતા. આ તમામ કામગીરી બાદ આરોપીએ ગુજરાત ખાતે કુલ ૮ જીએસટી નોંધણી નંબર મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જીએસટી વિભાગે જીએસટી રજીસ્ટ્રેશનનાં આધારે અન્ય વેપારી/ પેઢીઓના માલ રવાના કરવા માટે જે ઈ-વે બીલ બનાવવામાં આવ્યા હતા અને જે માલ અન્ય રાજયોમાં રવાના કરવામાં આવ્યો હતો તે અંગે પણ પુરી માહિતી એકત્રિત કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમાંથી કુલ ૩૦૪.૧૭ કરોડ રૂપિયાના બોગસ વ્યવહારો કરી રૂા.૧૫.૨૧ કરોડની સરકારી વેરાકિય આવકને નુકસાન પહોંચાડયું છે. બોગસ બીલીંગ વ્યવહારનો પર્દાફાશ કરનાર સ્ટેટ જીએસટી વિભાગ અને ગુજરાત માલ અને સેવાકર અધિનિયમની જોગવાઈઓને ધ્યાને લઈ જુનાગઢનાં આરોપી સંજય બાલુભાઈ મશરૂની ધરપકડ કરવામાં આવેલી છે. આ તકે કેસની વધુ તપાસની કામગીરી ચાલુ રહેતા આરોપી સંજય મશરૂને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી રીમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરેલી છે. સ્ટેટ જીએસટી વિભાગના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બોગસ બીલીંગ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોનાં નામ ખુલવાની પણ શકયતા સેવાઈ રહી છે અને તેમના વિરુઘ્ધ જીએસટી વિભાગ કડક હાથે પગલા લેશે તેવી પણ માહિતી સામે આવી છે.