બંને અધિકારીઓએ પદનો દૂરૂપયોગ કર્યો હોવાનું ખૂલ્યું
દક્ષિણ ગુજરાતમાં જીઆઇડીસીમાં જમીનના પ્લોટ ફાળવવાના મુદ્દે યેલી ૩૦૦ કરોડની ગેરરીતિની ફરિયાદની તપાસમાં બે સિનિયર સનદી અધિકારી અરવિંદ અગ્રવાલ અને મનોજ અગ્રવાલ તપાસમાં જવાબદાર ઠરતા રાજય સરકાર દ્વારા બન્ને અધિકારી સામે પગલા લેવાતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે રહી ચૂકેલા પૂર્વ અઈજ અરવિંદ અગ્રવાલ માટે એડવાઇઝરી નોટ જાહેર કરવામાં આવી છે કે તેમણે કોઇપણ નીતિ વિષયક નિર્ણયો લેતા હવે કાળજી રાખવી. તો જીઆઇડીસીના તત્કાલીન એમડી મનોજ અગ્રવાલ સામે તપાસના અહેવાલમાં આવેલા તારણોના અભ્યાસ બાદ ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા એકસો બે સનદી અધિકારી સામે તપાસ શરૂ કરીને પગલા લેવાયા છે અને સરકાર દ્વારા એવા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે વહીવટી તંત્રમાં ગેરરીતિ આચરતા અધિકારીઓને છોડાશે નહીં.
આઇએએસ અધિકારીઓના બેડામાં પણ આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે, ભારત સરકારની સ્કીમ ઓફ ઇન્ટિગ્રેટેડ ટેક્ષટાઇલ પાર્ક અંતર્ગત મેસર્સ એનએસપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત હાઇડ્રોકાર્બન એન્ડ પાવર સેઝ લિમિટેડને ફાળવાયેલી જમીનમાં ગેરરીતિ ઇ હોવાની વિગત બહાર આવી હતી. ટેન્ડર અને નિયત પ્રક્રિયાને બાજુએ મૂકીને જમીનો ફાળવી દેવામાં આવી હોવાની સરકારને ફરિયાદો પણ મળી હતી. જેને લઇને ૧૫ ઓકટોબર ૨૦૧૬ના દિવસે રાજયના પૂર્વ વિજિલન્સ કમિશનર અને પ્રવર સનદી અધિકારી ડો. મંજુલા સુબ્રમણ્યમને બન્ને પ્રકરણમાં અલગ તપાસ સોંપાઈ હતી. આ તપાસનો અહેવાલ ગત ૧૬ એપ્રિલે રાજય સરકારને સુપરત કરાયો હતો. અહેવાલમાં બન્ને અધિકારીઓએ તેમના પદ અને સત્તાનો દુરુપયોગ કરીને સરકારના નિયમોની બહાર જઇને ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું હતું. જેના તારણના અભ્યાસ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જમીનની ફાળવણી વખતે જીઆઇડીસીના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર મનોજ અગ્રવાલ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાની સૂચના આપી છે.