ચીફ ઓફિસરે પોલીસ કાફલા સાથે રાખી દબાણકર્તાને આપી સુચના
કેશોદ શહેરના મુખ્ય માર્ગમાં દુકાનધારકો દ્વારા કરવામાં આવેલા દબાણો દુર કરવા કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર ગંગાસિંહ આઈએએસ પોલીસ કાફલો અને આરોગ્ય શાખાના કર્મચારીઓ સાથે રાખીને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દબાણ હટાવવા શરૂ થયેલી ઝુંબેશમાં પ્રથમ દિવસે જુનાગઢ-વેરાવળ હાઈવે રોડ પર રાહદારીઓને ચાલવા બનાવેલી ફુટપાથ ઉપર જાહેરાતના બોર્ડ, ખાણીપીણીના અને ચા-પાનના કાઉન્ટર જેવા દબાણ દુર કરવા સુચના દરેક વેપારીઓને ચીફ ઓફિસર ગંગાસિંહ દ્વારા વેપારીઓને સ્વૈચ્છિક હટાવી લેવા જાણ કરી છે. કેશોદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા શહેરીજનો અને રાહદારીઓએ આવકારી છે.
કેશોદ શહેરમાં જાહેર માર્ગેમાં થયેલા ફુટપાથ ઉપરના દબાણ ઉપરાંત સાર્વજનિક પ્લોટમાં રહેણાંક વિસ્તારોમાં રસ્તા ઉપરના દબાણ દુર કરવામાં આવે તો ઘણી જગ્યાઓ ખુલ્લી થવાની સંભાવના છે. અગાઉ મામલતદાર કચેરી, માર્ગ મકાન પેટા વિભાગ દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ ચલાવવામાં આવે છે પરંતુ પાછળથી જવાબદાર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી અને અરજદારો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવે તો નોટિસ ફટકારી સંતોષ માનવામાં આવે છે. કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગંગાસિંહ દ્વારા દબાણકર્તાને આકરા દંડ વસુલવામાં આવે તો આપોઆપ દબાણો દુર થવા લાગશે ?