પ્લાસ્ટિકના પાઉચનું ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવાની માંગ
મોરબીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે તંત્ર પ્લાસ્ટિકનો વપરાશ કરનાર નાના વેપારીઓ સામે પગલા ભરે છે જ્યારે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમોને છૂટછાટ આપી રહ્યું છે તેવો કોંગી અગ્રણીએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત તેઓએ તમામ સામે એકસરખી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે.મોરબીના કોંગી અગ્રણીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તંત્રએ પ્લાસ્ટિકના પાઉચ અને ઝબલા પર પ્રતિબંધ ફરમાવ્યો છે પ્લાસ્ટિકના પાઉચ અને ઝબલા ઉત્પન્ન કરતા એકમો દ્વારા વિના સંકોચે ઉત્પાદન ચાલુ છે જ્યારે પાણીના પાઉચનુ વેચાણ કરતા વેપારીઓ સામે પગલાં લેવામાં આવે છે પરંતુ ઉત્પાદન કરતા એકમો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ધંધાર્થીઓને ત્યાં પાઉચની ડીલવરી આપવા આવતા વાહનોને આંતરીને તેની પૂછપરછ કરવામાં આવતી નથી કે તે ક્યાંથી આવે છે અને ક્યાં લઈ જાય છે.વધુમાં તેઓએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્લાસ્ટિકની કોથળીમાં દારૂનું વેચાણ થાય છે જેના ઉપર કોઇ કાર્યવાહી થતી નથી અને ગરીબ માણસોને માત્ર એક રૂપિયામાં મળતું પાણી હવે રૂ.૫ની પ્લાસ્ટિકની બોટલમાં અપાઈ છે જે બાબત ગંભીરતાથી વિચારણા માગે છે પ્લાસ્ટિકના ઉત્પાદકો સામે ઉત્પાદન બંધ કરવાની ફરજ પાડવી જોઈએ. અગાઉ પ્લાસ્ટિકના પાઉચનો કચરો થતો હતો હવે પ્લાસ્ટિકની બોટલ નો કચરો થાય છે તેથી પ્લાસ્ટિકના પાઉચ ઉત્પાદન કક્ષાએથી જ બંધ થવા જોઈએ તો જ પ્લાસ્ટિક નાબૂદ થશે.