સેન્ટ્રલ ગવમેન્ટ દ્વારા તાજેતરમાં જ નવા નિમાયેલા એમએસએમઈ જોઈન્ટ ડાયરેકટર વિકાસ ગુપ્તાએ સૌપ્રથમ વખત રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ એરીયાની મુલાકાત લીધી હતી. જેમાં રાજકોટના જુદા જુદા ઔદ્યોગીક વિસ્તારની મુલાકાત લઈ રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ઔદ્યોગીક એકમોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જોઈન્ટ ડાયરેકટર વિકાસ ગુપ્તાએ એમએસએમઈની નવી પોલીસી વિશે ઉદ્યોગપતિઓને માહિતગાર કરી તેમાં વધુ સારી રીતે કાર્ય કરવા અંગે જાણકારી આપી હતી. આ સાથે જોઈન્ટ ડાયરેકટર વિકાસ ગુપ્તા અને ડી.વાય.સી. ડેપ્યુટી કમિશનર કિશોર મોરી સહિતનાઓએ આજી ઔદ્યોગીક વિસ્તારમાં આવેલ કોમન ફેસીલીટી સેન્ટરની પણ મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું.
મેટોડા, શાપર-વેરાવળ અને આજી સહિતના ઈન્ડસ્ટ્રીયલ એરીયાની મુલાકાત લઈ સૌરાષ્ટ્રભરના ઔદ્યોગીક એકમોની સ્થિતિનો તાગ મેળવ્યો
જોઈન્ટ ડાયરેકટર અને ડીઆઈસી ડેપ્યુટી કમિશનર સહિતનાઓએ કોમન ફેસેલીટી સેન્ટરની વિઝીટ કરી: વૃક્ષારોપણ પણ કર્યું
ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાતના એમએસએમઈ યોજના અંતર્ગત જોઈન્ટ ડાયરેકટર તરીકે વિકાસ ગુપ્તાને નિમવામાં આવ્યા છે. ત્યારે જોઈન્ટ ડાયરેકટર વિકાસ ગુપ્તાએ બે દિવસ પહેલા સૌપ્રથમ વખત રાજકોટ ઔદ્યોગીક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે ઔદ્યોગીક વિસ્તારના જુદા જુદા ઉદ્યોગપતિ અને નાના-મોટા કારખાનેદારો સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં રાજકોટ એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખ પરેશભાઈ વાસાણી અને ડીઆઈસી ડેપ્યુટી કમિશનર કિશોર મોરી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના જોઈન્ટ ડાયરેકટર વિકાસ ગુપ્તા અને ડીવાયસી ડેપ્યુટી કમિશનર કિશોર મોરીની અધ્યક્ષતામાં ઔદ્યોગીક વિસ્તારમાં મળેલી બેઠકમાં નાના-મોટા ઉદ્યોગકારોની સમસ્યાઓનો ઉકેલ કરવામાં આવ્યો હતો. આ સાથે રાજકોટ ઈન્ડસ્ટ્રીલ ઝોનમાં સૌરાષ્ટ્રભરનું હબ ગણી શકાય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની મુલાકાતમાં સૌરાષ્ટ્રમાં ઔદ્યોગીક એકમોની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ સાથે જ નાના-મોટા કારખાનેદાર અને ઉદ્યોગપતિઓને એમએસએમઈની યોજનામાં કાર્યરત થવા માટે અને તેનો લાભ લેવા માટે સમજણ પણ આપવામાં આવી હતી.
રાજકોટના ઔદ્યોગીક વિસ્તારની મુલાકાતે આવેલા જોઈન્ટ ડાયરેકટર વિકાસ ગુપ્તાએ ઉદ્યોગ વિભાગના મેનેજર અને ડીઆઈસી ડેપ્યુટી કમિશનર કિશોર મોરી સાથે સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને જરૂરી સુચનાઓ પણ આપી હતી તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનને વિકસાવવા માટે ભવિષ્યમાં કેવા પગલા લેવામાં આવશે અને એમએસએમઈ યોજનાનો વધુ પડતા ઉદ્યોગપતિ અને કારખાનેદારો ઉપયોગ કરે તેના માટે વિચાર સમીક્ષા કરી હતી. ઔદ્યોગીક એકમોની વાતચીત સાથે તમામ ઉચ્ચ અધિકારીઓએ સાથે મળી વૃક્ષારોપણ કરીને પર્યાવરણની માવજત માટે પણ કામગીરી કરી હતી.