મેયર સહિતના પાંચ પદાધિકારીઓની મુદ્ત 12 સપ્ટેમ્બરે પૂર્ણ થઇ રહી હોય હવે પછી બોર્ડ નવા પદાધિકારીઓની નિમણુંક માટે મળે તેવી શક્યતા
મેયર ડો.પ્રદિપ ડવ સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત આગામી 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી હોય સંભવત: આગામી 19મી જુલાઇના રોજ વર્તમાન શાસકોનું અંતિમ જનરલ બોર્ડ મળશે. જેમાં ટીપીઓની નિમણુંક કરવા સહિતની વિવિધ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
વર્ષ-2021માં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપ 68 બેઠકો સાથે વિજેતા બન્યું હતું. 12 માર્ચ-2021ના રોજ મેયર તરીકે ડો.પ્રદિપ ડવની નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવી હતી. પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ આગામી 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. નિયમ મુજબ કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવી પડે છે. જો કે, આ સમયગાળા દરમિયાન બોર્ડના અધ્યક્ષ એવા મેયરને ગમે ત્યારે બોર્ડ-બેઠક બોલાવવાનો આબાધીત અધિકાર છે. જો કે, ખૂબ જ જવલ્લે દરખાસ્તોના આધારે ખાસ બોર્ડ બોલાવવામાં આવતું હોય છે. આગામી 19મી જુલાઇના રોજ જો જનરલ બોર્ડની બેઠક મળે તો નિયમ મુજબ હવે પછીની બેઠક 20મી સપ્ટેમ્બર સુધીમાં નિયમ મુજબ બોલાવવી પડે. જો કે, 12મી સપ્ટેમ્બરે જ વર્તમાન પાંચેય પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થઇ રહી હોય મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા નવા પદાધિકારીઓની નિમણુંક માટે બેઠક બોલાવવામાં આવશે.
દરમિયાન ‘અબતક’ સાથેની વાતચિતમાં મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે સમયગાળાને ધ્યાનમાં રાખવામાં આવે તો સભા અધ્યક્ષ તરીકે આ મારૂં છેલ્લું બોર્ડ કહી શકાય, હવે જ્યારે સપ્ટેમ્બરનું બોર્ડ આવશે ત્યારે નવા પદાધિકારીઓની નિમણુંક કરવા બોર્ડનો એજન્ડા પ્રસિદ્વ કરવામાં આવશે. જેમાં સામાન્ય રીતે પ્રશ્ર્નોત્તરી કે અન્ય કોઇ દરખાસ્તનો સમાવેશ કરવામાં આવતો હોતો નથી. પરંતુ જો જુલાઇ માસનું બોર્ડ પૂર્ણ થયા બાદ કોઇ નામકરણ સહિતની કોઇ દરખાસ્તો આવશે તો ઓગસ્ટમાં ખાસ બોર્ડ બોલાવવામાં આવશે. અન્યથા સપ્ટેમ્બરમાં નવી નિયુક્તી માટેનું બોર્ડનો એજન્ડા પ્રસિદ્વ કરાશે.