કપાસ, મગફળી જેવા ખરીફ પાકોનું વાવેતર કરનારા ખેડુતો માટે ‘કાચા સોના’ સમાન, જયારે વાવેતર ન કરનારા ખેડૂતો માટે વાવેતરની એક તક લઈને આવશે આ વરસાદ
અમુક ભાગોને બાદ કરતા દેશભરમાં ચાલુ વર્ષનું ચોમાસુ જૂન માસમાં શુષ્ક પુરવાર થયું હતુ પરંતુ જુલાઈ માસના પ્રારંભીક ૧૧ દિવસોમાં દેશભરમાં સારો વરસાદ નોંધાયો છે. જુલાઈમાં પડેલો વરસાદ આ માસના સામાન્ય વરસાદ કરતા ૨૪ ટકા જેટલો વધુ પડયો છે. જેનાથી ચોમાસાની ખાધના લગભગ ત્રીજા ભાગને ઘટાડવામાં મદદરૂપ થયો છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી ૧૭/૧૮ જુલાઈ બંગાળ ખાડીમાં ઉભુ થનારૂ લો-પ્રેશર મધ્ય અને ઉત્તર ભારતમાં સારો વરસાદ લાવે તેવી સંભાવના છે. જેમાંથી કપાસ, મગફળી જેવા ખરીફ પાકો જે ખેડુતોએ વાવેતર કરી દીધું છે. તેમના માટે આ વરસાદ કાચા સોના રૂપ પૂરવાર થશે જયાં ખરીફ પાકોનું વાવેતર થયું નથી ત્યાં વાવેતર કરવાની ખેડુતો પાસે તક ઉભી થઈ છે.
જુલાઈના પ્રારંભીક દિવસોમાં દેશભરમાં અનેક ભાગોમાં પડેલા ભારે વરસાદના કારણે વરસાદની ખાધ ૩૩ ટકાથી ધરીને ૧૨ ટકા થવા પામી છે. જેથી ખરીફ પાકોની વાવણીને પૂરતુ પાણી મળવાથી ખેડુતોને પ્રોત્સાહન મળ્યું છે. જુલાઈ માસમાં દક્ષિણ ભારત સિવાય દેશના તમામ ભાગોમાં સારો વરસાદ થયો છે. મધ્ય ભારતમાં સર્વત્ર શ્રીકાર વરસાદ થયો છે. જૂનમાં ઓછા વરસાદના કારણે ખરીફ પાકોનું ૨૭ ટકા જેટલુ ઓછુ વાવેતર થયું હતુ જેમાં જુલાઈમાં સારા વરસાદ બાદ કારણે ઓછા વાવેતરની ટકાવારીમાં ઘટાડો થયો છે. ભારતના હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતુ કે હાલનું ચોમાસુ ૧૪ જુલાઈ પછી નબળુ પડશે પરંતુ દેશના કેટલાક ભાગોમાં સારો વરસાદ વરસાવશે.
ઉત્તર ભારતમાં ૧૭મી જુલાઈની આસપાસ હિમાલય પાસે વરસાદ પડવાની સંભાવના છે. જેના કારણે મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદ ઘટવાની ધારણા છે. પરંતુ દક્ષિણ ભારતમાં જે રીતે ચોમાસા પર બ્રેક લાગી ગઈ છે. તેવું બનશે નહી મધ્ય અને ઉત્તર ભારતમાં જયાં હજુ સુધી સારો વરસાદ નોંધાયો હતો ત્યાં આ સમયગાળા દરમ્યાન ભીનું વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમ ભારતીય હવામાન વિભાગના વરિષ્ટ અધિકારી ડો. શિવાનંદ પાઈએ જણાવીને ઉમેર્યું હતુ કે ઉતર પ્રદેશ, બિહાર અને આસામના કેટલાક ભાગોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના હોય તંત્રને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શિવાનંદ પાઈએ વધુમાં જણાવ્યું હતુ કે ચોમાસાનો નબળો તબકકો લાંબો સમય ચાલશે નહી અનો આગામી ૧૭-૧૮ જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં ઉભુ થનારૂ લો-પ્રેશર મધ્ય અને ઉત્તર ભારતમાં મોટાભાગે સર્વત્ર વરસાદ વરસાવશે. ત્યારે હવામાન અંગેની આગાહી કરતી ખાનગી કંપની સ્કાયમેટે ૧૫ જુલાઈએ હિમાલય તરફ ચોમાસુ ગયા બાદ વરસાદ વિરામ લઈ લેશે જૂન મહિનમાં નબળા વરસાદ બાદ જુલાઈ માસના પ્રારંભથી દેશભરમાં ભારેથી સારો વરસાદ વરસ્યો છે. આ સારો વરસાદ લો પ્રેશરના કારણે વરસ્યો છે. જે આ માસના પ્રારંભથી ઓરિસ્સામાં પ્રવેશ્યું હતુ અને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ આગળ વધી રહ્યું છે.
આ આગળ વધી રહેવા લો-પ્રેશરના કારણે મધ્ય ભારતમા જુલાઈ માસના ૧૧ દિવસમાં ૪૨ ટકા વરસાદ પૂર્વે અને ઉતરપૂર્વ ભારતમાં ૨૬ ટકા અને ઉતર પશ્ર્ચિમ ભારતમાં ૨૩ ટકા વરસાદ પડી ચૂકયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી તમિલનાડુ અને મહારાષ્ટ્રના મરાઠા વાડામાં પડેલા ભારે વરસાદે ડેમોની સપાટીમાં વધારો થવા પામ્યો છે. ગઈકાલ સુધી દેશના ૯૧ મોટા ડેમોમાં ૨૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો હતો.