ગ્રીનલેન્ડ ચોકડી પાસે અકસ્માતમાં ભત્રીજાની નજર સામે કાકા કાળનો કોળિયો બનતા પરિવારમાં કલ્પાંત
રાજકોટ શહેરમાં છેલ્લા 12 કલાકમાં બે અકસ્માતના બનાવમાં બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં ગઇ કાલે મોડી રાત્રીના ગોંડલથી પરત ફરતી વેળાએ રાજકોટના કોન્ટ્રાકટરની કાર પલ્ટી મારી જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો અન્ય બનાવમાં નવાગામ માતાજીના દર્શન કરવા જઈ રહેલા કાકા – ભત્રીજાના બાઈકને ટ્રકે અડફેટે લેતાં ભત્રીજાની નજર સામે કાકા કાળનો કોળિયો બનતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં એસ્ટ્રોન સોસાયટીમાં મયુરનગર શેરી નંબર -1માં રહેતા અને કલર કામના કોન્ટ્રાકટર પ્રતિકભાઈ મનસુખભાઈ કરકર (ઉ.વ.30) તેના મિત્ર પુષ્કરધામમાં રહેતા અને કેટરિંગનું કામ કરતા રાજેશભાઈ દલસુખભાઈ વાઘેલા (ઉ.વ.24), રાજનગર ચોકમાં રહેતા અને કેટરિંગનું કામ કરતા સન્નીભાઈ સોલંકી (ઉ.વ.28) અને હજુ એક યુવાન સહિત કુલ ચાર મિત્રો ગોંડલ મિત્રના પુત્રના જન્મદિનની મિજબાનીમાં ગયા હતા.
જ્યાંથી ગઇ કાલે મોડી રાત્રીના સમયે પરત ફરતા હતા ત્યારે પ્રતિકભાઇ કરકર કાર ચલાવી રહ્યા હતા તે દરમિયાન રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા પ્રતિકભાઈનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે રાજેશભાઈ વાઘેલા અને સન્ની સોલંકી સહિત ત્રણેય યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રતિકભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
તો અન્ય બનાવમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ ધુસાભાઈ ડાભી નામના 31 વર્ષના યુવાન વિજય પ્લોટમાં રહેતા પોતાના ભત્રીજા સંદીપ મુકેશભાઈ ડાભી નામના 24 વર્ષના યુવાન સાથે નવાગામ ખોડીયાર માતાજીના મંદિરે જતા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રક ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ભત્રીજા સંદીપની નજર સામે જ કાકા ધર્મેશભાઈ કાળનો કોળીયો બનતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.