શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં 7 બેઠકો પર 24 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ: 28મીએ પરિણામ જાહેર થશે

સૌથી વધુ રસાકસી વગ ધરાવતી સંચાલક મંડળની બેઠક માટે 6 ઉમેદવારો: ચૂંટણીને કારણે આજે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સંવર્ગની ખાસ બેઠકો માટે આજે સવારથી રાજ્યભરની સ્કૂલોમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે 9 બેઠકોમાંથી બીએડ કોલેજ આચાર્યની બેઠક અને સરકારી સ્કૂલના શિક્ષકની બેઠક બિનહરીફ થતાં હવે 7 બેઠકો પર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. જેમાં 7 માંથી સૌથી વધુ રસાકસી ધરાવતી સંચાલક મંડળની બેઠકમાં સૌથી વધુ 6 ઉમેદવારો છે. આ બેઠકમાં અત્યાર સુધી તો પ્રિયવદન કોરાટનો જ દબદબો રહ્યો હતો કેમ કે તેઓ છેલ્લી ચાર ટર્મથી ચૂંટાઈ આવે છે.

આ વર્ષે પ્રથમવાર રાજ્ય સરકારે નિર્ણય ર્ક્યો છે કે, 26 બેઠકો ઘટાડીને 9 બેઠકો જ રાખવામાં આવી છે. કેમ કે રાજ્યમાં એકપણ બોર્ડ એવું નથી કે જેમાં લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે જ્યારે શિક્ષણ બોર્ડ જ એવું છે કે, લોકો પોતાની પ્રતિનિધિને ચૂંટે છે અને મોટી ચૂંટણી યોજાય છે. જો કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બેઠકો ઘટાડવામાં આવી છે. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય કે, પ્રતિનિધિઓ ઘટવાથી હવે લોકોને અવાજ પણ બોદો બની જશે ?

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી શિક્ષણ બોર્ડની જે ચૂંટણી યોજાતી હતી તેમાં ઝોનવાઈઝ ચૂંટણી યોજવામાં આવતી હતી પરંતુ હવે પ્રથમ વખત સમગ્ર ગુજરાતવાઈઝ મત વિસ્તાર હોવાથી અને પ્રતિનિધત્વ ઘટવાથી ક્યાંકને ક્યાંક સૌરાષ્ટ્રમાં જે રીતે પ્રિયવદનભાઈ ચાર ટર્મતી ચૂંટાઈ આવતા હતા તેનો દબદબો પૂર્ણ થઈ જશે ? પ્રિયવદન કોરાટ ચાર ટર્મથી શિક્ષણ બોર્ડના સભ્ય રહી ચૂક્યા છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે, સૌરાષ્ટ્રમાં તેની ચાહકા ખુબજ વધુ હતી. આ ઉપરાંત તે નોન કરપ્ટેડ વ્યક્તિની છબી ધરાવે છે અને શિક્ષણને લગતા કોઈપણ પ્રશ્ર્નમાં તેનો અવાજ પણ બુલંદ હોય છે. જો કે, હવે આ વર્ષે ઝોનવાઈઝ નહીં પરંતુ સમગ્ર રાજ્ય મુજબ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ફરી પ્રિયવદનભાઈ ચૂંટાશે કે કેમ ? તે પણ જોવું રહેશે.

ગુજરાત શિક્ષણ બોર્ડમાં હોદ્દાની રૂએ રહેતા સભ્યોને બાદ કરતા ખ વર્ગમાં 26 સભ્યો માટે ચૂંટણી થતી હોય છે. દર ત્રણ વર્ષે આ ચૂંટણી યોજાય છે અને છેલ્લે જાન્યુઆરી 2017માં ચૂંટણી થયા બાદ જાન્યુઆરી 2020માં ચૂંટણી થનાર હતી પરંતુ બોર્ડે મુદત લંબાવી જૂન સુધી કરી હતી અને ત્યારબાદ ફરી મુદત લંબાવી સપ્તટેમ્બર 2020 સુધી કરી હતી. દરમિયાન સરકારે વિધાનસભામાં ખરડો પસાર કરી એકટમાં સુધરો કર્યો હતો અને 26 બેઠક ઘટાડી 9 બેઠકો કરી દીધી હતી. જેનું મુખ્ય કારણ ચૂંટણીનો ખર્ચ વધુ થાય છે અને રાજ્યમાં એકપણ બોર્ડમાં શિક્ષણ સીવાય ક્યાંય ચૂંટણી થતી નથી તે છે. કોરોનાને લીધે ચૂંટણીમાં વિલંબ થયો અને છેલ્લે મે માં ચૂંટણી જાહેર થયા બાદ મોકુફ રાખવી પડી હતી.

હવે જ્યારે 9 બેઠકોમાંથી બીએડ કોલેજ આચાર્યની બેઠક અને સરકારી સ્કૂલના શિક્ષકની બેઠક સહિત બે બેઠક બિનહરીફ થતાં હવે 7 બેઠકોમાં બપોર સુધીમાં 40 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સ્કૂલ આચાર્યની 1 બેઠક માટે ત્રણ ઉમેદવાર, સંચાલક મંડલના પ્રતિનિધિની બેઠક માટે 6 ઉમેદવાર, ઉચ્ચતર બુનિયાદી શિક્ષકની એક બેઠક માટે ચાર ઉમેદવાર, માધ્યમિક શિક્ષકની એક બેઠક માટે 2 ઉમેદવાર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની બેઠક માટે 3 ઉમેદવાર અને વાલી મંડળની બેઠક માટે 4 ઉમેદવાર સહિત 24 ઉમેદવારો મેદાને છે જેમાંથી સૌથી વધુ રસાકસી વગ ધરાવતી સંચાલક મંડળની બેઠક માટે સૌથી વધુ 6 ઉમેદવાર છે.

રાજ્યના 107 મતદાન મથકો પર આજ સવારથી જ શિક્ષણ બોર્ડની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં 40% જેટલું મતદાન થઈ ગયું છે. રાજ્યમાં કુલ 76000થી વધુ શિક્ષક મતદાન કરી રહ્યાં છે અને આગામી તા.28મી સપ્ટેમ્બર મંગળવારના રોજ 7 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે ત્યારે સૌથી વધુ રસાકસી વગ ધરાવતી સંચાલક મંડળની બેઠકમાં પ્રિયવદનભાઈ કોરાટ ફરીએકવાર ચૂંટાશે કે કેમ ? તે જોવું રહ્યું. તેના હરિફ પદે સુરતના ડો.દિપકભાઈ રાજ્યગુરુ પણ રેસમાં ચાલી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.