પ્રિયંકા તુમ આગે બઢો!!!
વારાણસીની બેઠક ઉપર મોદીની સામે પ્રિયંકા ચૂંટણી લડે તેવી અટકળો
૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા માસ્ટર સ્ટ્રોક ખેલવામાં આવ્યો છે. દાદીની ચાલે ચાલનાર પ્રિયંકાને હાલ કોંગ્રેસ પક્ષનું સુકાન સોંપવામાં આવ્યું છે ત્યારે પ્રિયંકા ગાંધીની કોંગ્રેસમાં વાપસી થતા જાણે કોંગ્રેસમાં એક શકિત સંચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ બંગાળ,આંધ્રપ્રદેશ સહિત અનેકવિધ જગ્યા ઉપર ગઠબંધનના બદલે એકલા હાથે ચુંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કયાંક આ નિર્ણયથી એવું પણ લાગી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં આવવાથી કોંગ્રેસનું મનોબળ મજબુત બન્યું છે.
વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ પહેલા આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગઠબંધન કરી લોકસભાની ચુંટણીમાં ભાજપને હરાવવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવાનો હતો ત્યારે કોંગ્રેસ પક્ષમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થતા જ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નકકી કરવામાં આવ્યું છે આગામી લોકસભાની ચુંટણી તેઓ ગઠબંધન વિના એકલા હાથે ચુંટણી લડશે અને પોતાના મુખ્યમંત્રીને બેસાડશે.
આ બાબતની પુષ્ટિ પાર્ટીના કાર્યકર દ્વારા બુધવારના રોજ આંધ્રપ્રદેશમાં કરવામાં આવી હતી જયારે ચીફ મિનિસ્ટર ચંદ્રબાબુ નાયડુએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસ તમામ ૨૫ પાર્લામેન્ટરી બેઠકો તથા તમામ ૧૭૫ એસેમ્બલી સીટો ઉપર આંધ્રપ્રદેશથી ચુંટણી લડશે તેમ પાર્ટી લીડર ઉમેન ચંડીએ જણાવ્યું હતું આનો મતલબ એ પણ થાય છે કે કોંગ્રેસ અને ટીડીપી એટલે કે તેલગુ દેશમ પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય.
વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને મમતા બેનર્જી વચ્ચે જે ગઠબંધનની વાત થતી હતી તેને પણ નકારવામાં આવી છે અને કોંગ્રેસ મમતા બેનર્જી વિના ચુંટણી લડવાનો નિર્ણય કર્યો છે એટલે કયાંકને કયાંક જે રીતે કોંગ્રેસની બાગદોડ પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે તેનાથી કોંગ્રેસ પક્ષમાં એક નવા જ વિચાર અને એક નવી જ ઉર્જાનો સંચય થતો જોવા મળ્યો છે.
કહી શકાય કે પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવાની સાથે કોંગ્રેસ પક્ષમાં જબરજસ્ત જુમ, જુસ્સો પણ જોવા મળ્યો છે. પક્ષના સુત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી પ્રિયંકા ગાંધીને નરેન્દ્ર મોદીના વિરુઘ્ધ વારાણસીમાંથી ચુંટણી લડાવે તો પણ નવાઈ નહીં ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ શિબલે ટવીટ કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૪માં નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા કહેવામાં આવતું હતું કે, ભારત કોંગ્રેસ મુકત બનશે પરંતુ પ્રિયંકા ગાંધીની પૂર્વ ઉતરપ્રદેશમાં મહાસચિવ તરીકે નિયુકત થતા હવે મુકત વારાણસી, મુકત ગોરખપુર જેવા ઘાટનું સર્જન થશે અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, રાજનૈતિક માહોલને જોતા પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપીની કોઈપણ મહત્વપૂર્ણ સીટ ઉપર ઉતારવામાં આવશે અને એવી પણ ચર્ચા થઈ રહી છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વારાણસીની બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ પ્રિયંકા ગાંધીને ઉતારે તો નવાઈ નહીં.
રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હવે ઉતર પ્રદેશમાં ફ્રનફુટ ઉપર ખેલ ખેલશે. વધુમાં તેઓએ પ્રિયંકા ગાંધી વિશે બોલતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી પ્રિયંકા માત્ર રાયબરેલી અને અમેઠી ક્ષેત્રોમાં ચુંટણી પ્રચારમાં ભાગ લેતી હતી પરંતુ આ વખતે બીજેપીના ગઢ સમાન પૂર્વ યુપીની દોડ પ્રિયંકાને સોંપવામાં આવી છે.