વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજયના અશ્ર્વમેઘ રથને નાથવા એડીચોટીનું જોર લગાવવા વિપક્ષ એક જુથ થયું છે તેમાં કોંગ્રેસે સવિશેષ તાકાત લગાવી હોય તેમ લાંબી કવાયત બાદ ઈન્દિરા ગાંધીની પ્રતિકૃતિ ગણાતા પ્રિયંકા ગાંધીને પક્ષના મહાસચિવ તરીકે નિયુકત કરી અધ્યક્ષ રાહુલ ગાંધીને મદદરૂપ થવા મેદાનમાં ઉતારીને કોંગ્રેસની નાવને પાર લગાવવાના અભિયાનનું આજે ઉતરપ્રદેશમાંથી મુહૂર્ત થઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધી કોંગ્રેસને કેટલા ફળશે તેનો તાગ પક્ષને પ્રિયંકાની જવાબદારીમાં લડાનારી ઉતરપ્રદેશની ચુંટણીમાંથી મળશે.
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને પશ્ર્ચિમ ઉતરપ્રદેશના ઈન્ચાર્જ તરીકે જયોતિરાદિત્ય સિંધિયાના સહયોગી તરીકેની જવાબદારી સોંપી છે. પ્રિયંકા ગાંધી પક્ષના અધ્યક્ષ અને ભાઈ રાહુલ ગાંધી, જયોતિરાદિત્ય સિંધિયા સાથે લખનઉની મુલાકાતે છે ત્યારે પ્રિયંકાએ આજથી વિધિવત રીતે ઉતરપ્રદેશમાં પક્ષની નૈયા પાર કરવા માટે હલેશા આપવાનું શરૂકર્યું છે. ઘણી લાંબી આંતરિક કવાયત અને પક્ષના કાર્યકરોના ઈન્તેજારના અંતે પ્રિયંકા ગાંધી (વાઢરા)ને કોંગ્રેસમાં લાવવાની અને પક્ષના સપના પુરા થવાની આશા માટે પ્રિયંકા ગાંધીને પક્ષમાં લાવવામાં સફળ રહ્યા છે.
પ્રિયંકા ગાંધીને ઉતરપ્રદેશનો હવાલો સોંપ્યા બાદ આજે વિધિવત રીતે તેઓ લખનઉ પહોંચી ગયા છે. બે અઠવાડિયા પહેલા જ પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાની પક્ષમાં એન્ટ્રીની જાહેરાત કરી હતી અને તેમને ઉતરપ્રદેશના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપાશે એવું જણાવ્યું હતું. પ્રિયંકા ગાંધી પોતાની આ જવાબદારી માટે જયોતિરાદિત્ય સિંધીયાના સહયોગમાં કામ કરશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને આશા છે કે, આપણે સૌ સાથે મળીને દેશમાં એક નવા પ્રકારના રાજકારણ લાવવામાં સફળ થશે. એવું રાજકારણ કે જેમાં દરેકની હિસ્સેદારી હોય એવું રાજકારણ કે જે મારા યુવાનો, મિત્રો, મારી બહેનો અને ગરીબોનો અવાજ આપણે સાંભળી શકીએ.
પ્રિયંકા ગાંધીએ સમર્થકોને જણાવ્યું હતું કે, કોંગ્રેસે એક આગવી રણનીતિ અમલમાં મુકી છે. લખનઉ વિમાન મથકે પક્ષના ત્રણેય નેતાઓ કાર્યાલયથી ૩૦ કિલોમીટરના રોડ-શો અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમ યોજશે. ઠેર-ઠેર ૧૪ અલગ-અલગ રૂટ ઉપર પ્રિયંકાના રોડ-શોનું સ્વાગત કરવાની તૈયારી કરવામાં આવી છે. લખનઉના આ રોડ-શોમાં વધુમાં વધુ મેદની માટે પક્ષે માઈક્રો મેનેજમેન્ટ અને જવાબદારી સોંપવામાં આવી છે. લખનઉ પહોંચ્યા બાદ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નેતાઓ પત્રકાર પરીષદને સંબોધશે. ચાર દિવસના રોકાણ દરમ્યાન પ્રિયંકા ગાંધી કાર્યાલય ખાતે સંગઠનના નેતા કાર્યકરો સાથે બેઠકોનો દોર ચલાવશે.
ઉતરપ્રદેશની તમામ બેઠકો પર નિશ્ર્ચિત વિજય માટે પ્રિયંકાના માઈક્રો મેનેજમેન્ટ અને પરિણામ માટેના વ્યુહ નકકી કરવામાં આવશે. પ્રિયંકાના જાદુથી પક્ષને લોકસભાની તમામ બેઠકો પર જબ્બર જનાધાર મળે તેવી આશા કાર્યકરોમાં પ્રવર્તી રહી છે. પ્રિયંકા ગાંધીએ પૂર્વ ઉતરપ્રદેશ, ગોરખપુર અને ફુલપુરમાં યોજાયેલી ૨૦૧૮ની પેટાચુંટણીઓમાં પ્રિયંકાએ પોતાનું કરિશ્મા અને અનુભવનો સફળ અખતરો કર્યો હતો. ૨૦૧૪ની લોકસભાની ચુંટણી કોંગ્રેસ માટે દુ:ખદ બની રહી હતી અને અમેઠી અને રાયબરેલી બેઠક પૂરતો જ ગજ વાગ્યો હતો. પ્રિયંકા ગાંધી આજથી લખનઉના રણમેદાનમાં હરિફોને હંફાવવા માટે મેદાનમાં ઉતરી ગયો છે.
અલ્હાબાદબાથી પ્રયાંગરાજ બનેલા લાલબહાદુર શાસ્ત્રીની બેઠક અને જવાહરલાલ નહેરૂના વતનના પાડોશી પ્રદેશ ફલપુરની લોકસભાની બેઠક અને પૂર્વ ઉતરપ્રદેશની બન્ને બેઠકો મહત્વની બની રહેશે. ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રભાવિ મતક્ષેત્રમાં કોંગ્રેસનો સારો દેખાવ માટે પ્રિયંકા ગાંધી હવે કેવું કામ કરી બતાવે છે તેના પર તમામની મીટ મંડાયેલી છે. પ્રિયંકાને દેખાવ, હાવભાવ અને લોકસંપર્કની કળામાં દાદી ઈન્દિરાની પ્રતિકૃતિ માનવામાં આવે છે ત્યારે ચુંટણીના મેદાનમાં પ્રિયંકા ખરેખર દાદીની જેમ સફળ થશે કે પછી ?