- ગાંધી પરિવારના બધા જ સભ્યો એટલે કે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ત્રણેય સંસદ સભ્ય બનશે
દેશની બે અત્યંત મહત્ત્વની લોકસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. જેમાં કેરળની વાયનાડ બેઠક ખૂબ જ મહત્ત્વની છે. વાયનાડ બેઠક પરથી જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડ્યા છે. જયારે તેમની સામે ડાબેરી મોરચાના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ ચૂંટણી લડી રહ્યા છે. એવામાં હાલ દોઢ લાખ મતથી પ્રિયંકા આગળ છે.
આ ચૂંટણી દ્વારા પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જો પ્રિયંકા ગાંધી, ચૂંટણી જીતશે તો એવું પહેલીવાર બનશે કે ગાંધી પરિવારના બધા જ સભ્યો એટલે કે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ત્રણેય સંસદ સભ્ય બનશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની આ પ્રથમ ચૂંટણી છે. વાયનાડ લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા બેઠક છે. તેમાં કોઝિકોડ જિલ્લામાં મનંતવડી (રિઝર્વ), સુલતાન બાથેરી (રિઝર્વ), કાલપેટ્ટા, તિરુવંબડી અને મલપ્પુરમ જિલ્લામાં નિલામ્બુર, ઈરાનાડ અને વાંદૂર બેઠકોનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાયબરેલી બેઠક જીત્યા બાદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી હતી.
જેના કારણે આ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે પ્રિયંકાની સામે નવ્યા હરિદાસને ટિકિટ આપી હતી. તેઓ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવ છે. તેમજ કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વખત કાઉન્સિલર અને બીજેપી કાઉન્સિલર પાર્ટીના નેતા પણ રહ્યા છે. તેમણે 2021ની વિધાનસભા ચૂંટણીમાં કોઝિકોડ દક્ષિણ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, જો કે તે હારી ગયા હતા.