અંબાજીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના મંડાણ શરૂ કરશે, અંબાજી મંદિરે દર્શન કરી પ્રિયંકા ગાંધી ભવ્ય રોડ-શો કરશે
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી પ્રચાર કરવાના મંડાણ શરૂ થઈ ગયા છે અને આને લઈ બન્ને પક્ષે ચૂંટણી પ્રચાર કરવાની રણનીતિ ઘડી કાઢી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ખાતે જાહેરસભા યોજીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારબાદ સોનગઢ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરસભા સંબોધીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. હવે આગામી ૧૮મી એપ્રીલે પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે અને અંબાજીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના મંડાણ શરૂ કરશે.
મળતી માહિતી મુજબ ૧૫મી એપ્રીલે રાહુલ ગાંધી રાજુલામાં પ્રથમ ચૂંટણીસભાને સંબોધીત કરશે. ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્ર ઝોનને આવરી લેવા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી અંબાજીથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. તેમજ આદિવાસી વિસ્તારોમાં મતદારો સાથે લોકસંપર્ક કરે તેવું કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. અંબાજી મંદિરે દર્શન કરીને પ્રિયંકા ગાંધી ભવ્ય રોડ-શો કરશે. આ વખતે કોંગ્રેસ ખાસ કરીને આદિવાસી અને ઓબીસી મતદારોને ધ્યાનમાં રાખી પ્રિયંકા ગાંધીનો પ્રવાસ આદિવાસી વિસ્તારમાં રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બન્ને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ છે ત્યારે કોંગ્રેસના બીજા સ્ટાર પ્રચારકોના પણ ચૂંટણી પ્રચારના શેડયુલ ગોઠવાઈ ગયા છે. કોંગ્રેસના ૪૦ જેટલા સ્ટાર પ્રચારકો અંતિમ તબકકામાં ગુજરાતને ધમરોળવા આવી રહ્યાં છે.