કોંગ્રેસને કોંગ્રેસ આઈ બનાવીને સશક્ત શાસકના પગરણ માંડનાર ઈન્દિરા ગાંધીના અનેક નિર્ણય ભારત વર્ષનો ઈતિહાસ બદલનારા બન્યા
જે સમાજ અને દેશ પોતાનો ગૌરવપૂર્ણ ઈતિહાસ અને દેશ માટે બલીદાન આપનાર નેતાઓને ભૂલી જાય તેમનું પતન નિશ્ર્ચિત બની જાય છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના ઈતિહાસમાં પ્રિયદર્શનીનું બિરુદ ધરાવતા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું યોગદાન ભૂલી જવું એટલે આપણે આપણા દેશની વિરાસત, અસ્મિતા અને ગૌરવ પ્રત્યે બેદરકાર અને નઠારા હોઈએ તેવું લાગ્યા વિના ન રહે.
આજે ૩૧મી ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સાથે સાથે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને દેશની અખંડીતતા માટે શહિદ થયેલા ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ શહિદ દીનની ઉજવણીનો સમન્વય છે. ઈન્દિરા ગાંધીની આજે પૂણ્યતિથિ છે ત્યારે તેમની કારકિર્દી અને દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને યાદ ન કરીએ તો આપણે નગુણા ગણાય. ગુંગી ગુડીયા તરીકે પિતા જવાહરલાલ નહેરૂના પડછાયા બનીને તેમની સાથે રાજકીય તાલીમ અને રાજકારણમાં ઘડાયેલા ઈન્દિરા ગાંધીએ શરૂઆતમાં જ માહિતી અને પ્રસારણ ખાતુ સંભાળી નેતૃત્વ અને પ્રશાસનમાં પગ મુક્યો હતો. ૧૯૬૪માં કામકાજ સંભાળતાની સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને સાઈડ લાઈન કરીને બળવો કરીને ઈન્દિરા કોંગ્રેસનું નિર્માણ કર્યું.
મોરારજી દેસાઈ, જયનારાયણ વ્યાસ જેવા દિગ્ગજ નેતાને હાંસીયામાં મુકી રવિન્દ્રનાથ ટાગોરના ગુરૂવર્ય હેઠળ તૈયાર થયેલ ઈન્દિરા ગાંધીએ મોર્ડન પોલીટીકસનો પાયો નાખ્યો. અમેરિકા, રશિયા અને વિશ્ર્વના દેશો સાથે કુટનીતિક સંબંધોમાં ઈન્દિરા ગાંધીએ કાઠુ કાઢ્યું. બેંકોનું રાષ્ટ્રીયકરણ, રજવાડાના સાલીયાણા રદ્દ કરવા, લેન્ડ સીલીંગ એક્ટ અને પાકિસ્તાનના ભાગલા પડાવવાની સિદ્ધીએ ઈન્દિરા ગાંધીની કુનેહના સમગ્ર વિશ્ર્વમાં ડંકા વગાડી દીધા હતા. ભારત માટે પડકારરૂપ બનેલા ખાલીસ્તાનની ચળવળને ડામી દેવામાં સફળ રહેલા ઈન્દિરા ગાંધી માટે ભીંદરણે વાલાનુ ભૂત પોતે જ ઉભુ કર્યું હતું અને આ જીન પોતાની જ સામે થયું અને સહાદતની કિંમતે તેમણે દેશ માટે નાસુર બની ગયેલા ખાલીસ્તાન ચળવળને ખત્મ કરવામાં સફળતા મેળવી હતી.
ઈન્દિરા ગાંધીને પ્રિયદર્શની અને લોખંડી મહિલાનું બિરુદ્દ મળ્યું હતું. આજે આધુનિક ભારતનું નિર્માણ અને પાકિસ્તાન જેવા શત્રુને કાયમી ધોરણે અધમુઓ કરી નાખવામાં ઈન્દિરા ગાંધીની કાબેલીયત ભારત માટે આશિર્વાદરૂપ બની છે. આજના દિવસે આ લોખંડી મહિલાને સત..સત.. સલામ
‘ઓપરેશન બ્લુ સ્ટાર’ ચલાવી ખાલિસ્તાનીઓને ધૂળ ચાટતા કર્યા
ઈન્દિરા ગાંધીના વડપણ હેઠળ ભારતીય સૈન્ય દ્વારા અમૃતસરનાં હરમંદિર સાહિબ પરિસરમાં ઘુસેલા ખાલિસ્તાન સમર્થક જનરૈલસિંહ ભિંદરવાલે અને તેના સમર્થકોને હાંકી કાઢવા એક ખાસ ઓપરેશન ચલાવાયું હતુ જેને નમિશન બ્લુ સ્ટારથ નામ આપવામાં આવેલું ઈન્દિરા ગાંધીએ આ મીશન ચલાવી ખાલિસ્તાની ચળવળને નેસ્તોનાબુદ કરી દીધી અલગાવાદી વિચારધારાને જન્મ આપનારા શખ્સો વિરૂધ્ધ આ અભિયાન ચલાવી ધૂળ ચાંટતા કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ૧૯૭૦ના દાયકામાં ખાલિસ્તાન સમર્થકોએ પંજાબને અલગ રાજય
તરીકે ઓળખ આપવા માંગ કરી હતી,. આ સમયે જનરૈલસિંહ ભિંદરવાલેના અકાલી દળનું પંજાબમાં વર્ચસ્વ હતુ જેને ઘટાડવા ઈન્દિરાગાંધીએ પંજાબમાં જ્ઞાની જૈલસિંઘને મુખ્યમંત્રી તરીકે ઉતાર્યા ત્યારબાદ પંજાબમાં ઘણી હિંસક ઘટનાઓ બની પંજાબના ડીઆઈજી એ.એસ. અટવાલની હત્યા સુવર્ણ મંદિરનાં પગથીયા પર થઈ આ ઘટનાના લીધે મોટી હિંસા અને વિરોધો ઉભગા થયા પંજાબની સ્થિતિ કથળી રહી હતી અકાલી પણ વિરોધ કરી રહ્યા હતા જેની સામે ઈન્દિરા ગાંધીએ નઓપરેશન બ્લુ સ્ટારથ ચલાવ્યું જેની જવાબદારી મેજર જનરલ કુલદિપસિંહ બરારને સોંપાઈ જેમના નેતૃત્વમાં સૈન્ય કાર્યવાહી થઈ અને હરમંદિર સાહિબ પરિસરમાં ઘુસી ખશલીસ્તાની જનરૈલ સિહ ભિંદરવાલેને અને તેમના સાથીદારોને મોતને ઘાટ ઉતારાયા હતા બનાવમાં સૈન્યના ૮૩ જવાનો શહીદ થયા હતા જયારે આતંકીઓ સહિત ૪૯૨ લોકોના મોત નિપજયા હતા.
મારા લોહીનું એક એક ટીપુ દેશને કામ આવશે
ઈન્દિરા ગાંધીના અંતિમ શબ્દો અક્ષરસ: પુરવાર થયું હોય તેમ જાહેરસભામાં ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, મારા લોહીનું એક એક ટીપુ દેશને કામ આવશે અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં આતંકવાદીઓના હાથે ગોળીએ વિંધાયને લોખંડી મહિલાએ દેશ માટે આહુતિ આપી દીધી હતી.
કોંગ્રેસને જ ‘ઈન્દિરા’ કોંગ્રેસ બનાવી દીધી
આધુનિક વિશ્વમાં રોલ મોડલ પોલીટીકસનો પાયો નાખનાર ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસને કોંગ્રેસ આઈ બનાવી દીધી. ૧૯૬૪માં કામકાજ સંભાળીને કોંગ્રેસના દિગ્ગજો સામે બળવો કરીને પોતાનો જ પક્ષ બનાવી દીધો. મોરારજી દેસાઈ જેવા મોટામાથાઓને હાંસીયામાં ધકેલીને દેશ આખાના રાજકારણ પર પક્કડ જમાવી લીધી.
ઈન્દિરા ગાંધીએ ભારતના હિતમાં વિશ્વની મહાસત્તાઓને પણ ક્યારેય નમતુ દીધું ન હતું
લોખંડી મહિલાનું બિરુદ ધરાવતા ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ વિદેશ નીતિમાં પણ પક્કડ રાખી હતી. અમેરિકા, રશિયા, ચીન જેવી મહાસત્તાઓ સામે પણ તેમણે ક્યારેય દેશ હિતમાં નમતુ જોખ્યું ન હતું.
માત્ર ૧૪ દિવસમાં પાકિસ્તાનને બે ભાગલામાં વહેંચી દીધું હતું
ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ એટછું મજબૂત અને શકિતશાળી હતું કે એમની તુલનામાં કોઇ રાજનીતિક વ્યકિત તો શું આખી પાર્ટી પણ ન આવી શકે, ભારતની આઝાદી બાદ સૌથી મોટો મુદ્દો બનેલ પાકિસ્તાનને ઇન્દિરા ગાંધીએ ધુળ ચાટતું કરી દીધું હતું. વર્ષ ૧૯૭૧ના યુઘ્ધમાં માત્ર ૧૪ દિવસમાં પાકિસ્તાનને બે
ભાગલામાં વિખેરી નાખ્યું હતું. તેમણે એ વખતે અમેરિકાને પણ પડકાર ફેંકી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, જો અમેરિકા પાકિસ્તાનને રોકશે નહિ તો ભારત પાકિસ્તાન ઉ૫ર સૈનિક કાર્યવાહી કરી દેશે. રપમી એપ્રિલ ૧૯૭૧ના દિવસે એક કાર્યક્રમમાં ભારતના તત્કાલીન થલસેનાઘ્યક્ષને આદેશ આપતા કહ્યું કે, પાકિસ્તાનને સબક શિખડાવવા અગર જંગ કરવી પડે તો કરે એની માટે કોઇ પરવાહ નથી. આ વખતે ઇન્દિરા ગાંધીએ ‘શહાદત’ની પણ પરવાહ કર્યા વગર નિર્ણય સંભળાવી દીધો હતો. અને માત્ર ‘સ્ટાર્ટ વોર…’ એમ કહી યુઘ્ધની ધોષણા કરી દીધી હતી, અને પ્રભાવશાળી નેતૃત્વ દાખવી ‘બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતા પાકિસ્તાનના પૂર્વ ભાગને અલગ કરી દીધું હતું.
ઈન્દિરા ગાંધીએ ‘પરમાણુ’ પરીક્ષણ કરાવી વિશ્વ આખાને સ્તબ્ધ કરી દીધેલું
આજે ભારત પરમાણુ ક્ષેત્રે વિશ્વના ટોચના દેશોમાં નામના ધરાવે છે તો તેનો એકમાત્ર શ્રેય જાય છે. ભૂતપૂર્વ નહિ પણ અભૂતપૂર્વ એવા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ૧૮ મે ૧૯૭૪નો દિવસ ભારતનાં ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે અંકાઈ ગયો હતો. આ દિવસે રાજસ્થાનના પોખરણમાં ભારતે પ્રથમવાર પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યુ હતુ. આ પરીક્ષણ કરતાની સાથે જ ભારત દુનિયાની છ મહાશકિતઓમાં સામેલ થઈ ગયું હતુ એમાં પણ રસપ્રદ વાત એ હતી કે, ભારત પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. એ વાત વિશ્ર્વના કોઈ પણ દેશને ખબર પડવા દીધી નહતી. મહાસતા અમેરિકા રગેરગની દરેક માહિતી પર ધ્યાન રાખતું હોય છે. અને સંરક્ષણ ક્ષેત્રે અન્ય દેશો પર રોક લગાવતું હોય છે તે સમયે અમેરિકા પણ ભારત પર આ પ્રકારે દબાણ ચલાવતું અને એ વચ્ચે ભારતે પ્રથમ જ પ્રયાસમાં સફળ પરીક્ષણ કરી વિશ્ર્વ આખાને સ્તબ્ધ કરી દીધું હતુ ઈન્દિરા ગાંધીના શાસનમાં થયેલા આ ઐતિહાસિક પરીક્ષણને સ્માઈલીંગ બુધ્ધા ઓપરેશન નામ અપાયું હતુ કારણ કે આ દિવસે બુધ્ધ પૂર્ણિમાં હતી. તાત્કાલીન વડાપ્રધાન ઈન્દિરાગાંધીની ગજબની ઈચ્છા શકિત અને દ્દઢ નિર્ણય શકિતના પગલે ભારત પરમાણુનું સોપાન પાર પાડી શકયું હતુ.
ઈન્દિરા કોંગ્રેસ, ઈન્દિરા વિનાની કોંગ્રેસ
૧૯૬૪માં રાજકારણમાં પ્રવેશેલા ઈન્દિરા ગાંધીએ આવતા વેંત કોંગ્રેસના મોટા નેતાઓને સાઈડ આઉટ કરીને કોંગ્રેસ આઈનું નિર્માણ ર્ક્યું અને સત્તા પોતાના હાથમાં લીધી. ઈન્દિરાના શાસનમાં કોંગ્રેસ સમગ્ર દેશના રાજકારણ પર પ્રભાવી હતું. અલ્હાબાદ હાઈકોર્ટે વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠેરવ્યા છતાં સત્તા પોતાના હાથમાં રહે તે માટે ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદીને વિરોધીઓને હંફાવી દીધા. કોંગ્રેસમાં પણ ભંગાણ પડી ગયું અને અનેક નેતાઓએ નવા પક્ષનો આશ્રય લીધો. સર્વત્ર કોંગ્રેસ-કોંગ્રેસ હતી. સમયકાળ અને સ્થિતિ ક્યારેય એક સરખી રહેતી નથી જે પોતાનો ઈતિહાસ ભૂલી જાય તેનું પતન થાય છે. આ પંક્તિ અત્યારે ઈન્દિરા ગાંધીને ભૂલી ગયેલી કોંગ્રેસને લાગુ પડે. ઈન્દિરા વગરની કોંગ્રેસ દિવસે દિવસે ઘસાતી ગઈ અને આજે સમગ્ર દેશના રાજકારણમાં અસ્તિત્વનો જંગ ખેલી રહી છે.
આ અમારી ઝાંસીની રાણી છે: વિપક્ષી નેતા બાજપાઈ પ્રિયદર્શની પર ઓળધોળ
એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં બેઠા બેઠા ‘સ્ટાર્ટ વોર’ના ટૂંકા મેસેજથી પાકિસ્તાન પર આક્રમણ કરાવીને પૂર્વ અને પશ્ર્ચિમ પાકિસ્તાનના બે ભાગલા પડાવી બાંગ્લાદેશનું સર્જન કરાવી નાખનાર ઈન્દિરા ગાંધીના આ દુશ્મન પરના વજ્રઘાત બાદ સંસદનું સત્ર મળ્યું ત્યારે વિપક્ષના નેતા બાજપાઈએ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હિંમતભર્યા પગલાને બિરદાવી જણાવ્યું હતું કે, આ અમારી ઝાંસીની રાણી છે, ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ભાગલા પડાવીને સમગ્ર વિશ્ર્વમાં તો ડંકો વગાડી દીધો જ હતો પરંતુ દેશના વિપક્ષોનું પણ દિલ જીત્યું હતું.
ગુંગી ગુડીયાનું હુલામણુ નામ ધરાવતા ઈન્દિરા ગાંધી લોખંડી પુરવાર થયા
પિતા જવાહરલાલ નહેરૂની છત્રછાયા અને રવિન્દ્રનાથ ટાગોરની કેળવણીમાં તૈયાર થયેલા ઈન્દિરા ગાંધી બાળપણમાં ખુબ ઓછા બોલા અને અંતરમુખી હતા. ત્યારબાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કરીને જે રીતે નેતૃત્વ અને કડક નિર્ણયો લીધા તેનાથી તેઓ લોખંડી પૂરવાર થયા હતા. વડાપ્રધાન કાર્યાલયની બહાર રૌફભેર નિકળતા ઈન્દિરા ગાંધી સામે ભલભલા મુખ્યમંત્રીઓ કડક હેડ માસ્ટર સામે ધ્રુજતા વિદ્યાર્થીની જેમ સમસમી ઉઠતા
ઇન્દિરાગાંધીના શાસનમાં ભારતનો ‘કટોકટી કાળ’
વર્ષ ૧૯૭૫થી ૧૯૭૭નો સમય ભારતીય ઇતિહાસનો એવો સમય હતો કે જયારે તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદે ભારતીય સંવિધાનની ધારા ૩૫૨ અંતર્ગત કટોકટી લાદેલી. દેશની આ સર્વપ્રથમ અને એકમાત્ર એવી ૨૧ મહિના સુધી ચાલેલી રાષ્ટ્રીય કટોકટી હતી. ભારતના ઇતિહાસમાં આ સમયને સૌથી વિવાદસ્પદ સમય માનવામાં આવે છે. ૧૯૭૫ની ૨૫મી જૂનથી લઇ ૧૯૭૭ની ૨૧મી માર્ચ સુધી કટોકટી ચાલી હતી. કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.
મોદી શાસનથી અનેકગણુ વધુ શાસન ભોગવ્યું
ભારત વર્ષના ઈતિહાસમાં અત્યારની પેઢી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય અને કારકિર્દીના મધ્યાહનથી પરિચીત છે. અત્યારે સર્વત્ર મોદી-મોદી છે. ત્યારે સત્તાના કેન્દ્રમાં રહી શિસ્તબદ્ધ સત્તા ભોગવવામાં ઈન્દિરા ગાંધી મોદીથી પણ આગળ હતા. તમામ ક્ષેત્રમાં એકહથ્થુ શાસન અને લાંબા સમય સુધી દેશનું નેતૃત્વ સંભાળમાં ઈન્દિરા ગાંધી નરેન્દ્ર મોદીથી જોજનો આગળ હતા.