- ડ્રાયવર, કંડકટર અને મુસાફરને કાળનો ભેટો 12 મુસાફરો ઈજાગ્રસ્ત
- ઓવરટેક કરવા જતાં ટેન્કર સાથે ટક્કર થયાનું પ્રાથમિક તારણ
રાજસ્થાનથી રાજકોટ અને જામનગર આવવા નીકળેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસનો બનાસકાંઠામાં સૂઇગામના ઉચોસણ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતા ડ્રાયવર, કંડકટર અને એક મુસાફર એમ કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જયારે બસમાં સવાર 12 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. મોડી રાત્રે બનેલી ઘટના બાદ 7થી વધુ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનથી રાજકોટ અને જામનગર ખાતે આવવા ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ મારફત નીકળ્યા હતા. ત્યારે ગત રાત્રીના અંદાજિત દોઢ વાગ્યાંના આસપાસ બનાસકાંઠાના સુઈગામના સોનેથ નજીક ભારતમાલા હાઇવે પર લકઝરી અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. જેના પગલે બસની કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યારે ટેન્કર સાથેની ટક્કરમાં લકઝરી બસમાં ડ્રાયવર, ક્ધડકટર અને એક મુસાફર એમ કુલ ત્રણ લોકો મોતને ભેંટ્યા હતા. જયારે 12 જેટલાં મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે સ્થાનિકો મદદે દોડી આવ્યા બાદ એમ્બયુલન્સ તેમજ સુઈગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ગણતરીની મિનિટોમાં જ સાત એમ્બયુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત 12 જેટલાં મુસાફરોને સારવાર અર્થે ભાભર, થરાદ સહીતની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જયારે મૃતદેહને સુઇગામ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ઓવરટેક કરવા જતાં બસની ટેન્કર સાથે ટક્કર થઇ હતી. જેમાં ડ્રાયવર, કંન્ડક્ટર સહીત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જયારે 12 લોકોને ઇજા પહોંચી હતી. હાલ આ સમગ્ર મામલે સુઈગામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.