રાજયનું શિક્ષણ તંત્ર વિઘાર્થીઓની વાર્ષિક ફી માટે કાયદો ઘડે તેવી વાલીઓની માંગ
જસદણ શહેરમાં કેટલીક ખાનગી શાળાઓએ એકવારની ફી લીધા પછી ફરી પાછી વાલીઓ પાસે પઠાણી ઉઘરાણી શરુ કરતા વાલીઓ ફી માટે હડિયાપટ્ટી કરવા માંડયા છે. એમ સામાજીક કાર્યકર હરિભાઇ વેલજીભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીથી લોકડાઉન અને હજુ અનલોકમાં પણ એક પણ શાળા શરુ થઇ નથી લોકોના ધંધા રોજગાર પણ પહેલા જેટલા રાબેતા મુજબ થયાં નથી ગરીબીને કારણે અનેક લોકો દેવાદાર થઇ રહ્યાં છે. આવા માહોલ વચ્ચે જસદણની ખાનગી શાળાઓના સંચાલકો સરકારની ઐસી તૈસી કરી ફરી ફી માટે ઉઘરાણી કરી રહયા છે. ત્યારે સરકારનું શિક્ષણ તંત્ર ખાનગી શાળા પ્રત્યે પોતાનું વલપ સ્પષ્ટ કરી ફી માટે ખાસ કાયદો ઘડે અન્યથા વિઘાર્થીઓના ગરીબ બેરોજગાર વાલીઓને કોઇ અવિવેકી પગલું ભરવાની નોબત આવશે હરિભાઇએ વધુમાં જણાવ્યું હતું કે જસદણ વીછીંયા પંથકની મોટાભાગની ખાનગી શાળાઓ શિક્ષણ તંત્રના મોટાભાગના નિયમોનો વર્ષોથી રીતસર ઉલાળીયો કરી રહી છે. શાળાઓના બાંધકામ અને તે પછીના અનેક નિયમો પાળવામાં આવતા જ નથી. વિઘાર્થીઓની સલામતી માટે અને ખેલકુદ માટે સાધન સામગ્રી નથી છતાં શિક્ષણ તંત્ર આંખ મિચામણા કરી રહ્યું હોવાથી સંચાલકો કવોલીટી શિક્ષણને બદલે ગોખણપટ્ટી પીરસી લૂંટી રહ્યા છે આટલું પૂરતું ન હોય તેમ શાળાઓએ લાખો કરોડો રૂપિયાની નગરપાલિકા, ગ્રામ પંચાયત , ખરાબો, ગૌચરની ભળતી જગ્યાઓ પણ પોતાના કબ્જામાં રાખેલ છે ત્યારે રાજયનું શિક્ષણ તંત્ર વિઘાર્થીઓની વાર્ષિક ફી માટે ખાસ કાયદો ઘડે અને અમલી બનાવે નહિતર હાલ મંદીના સમયમાં વિઘાર્થીઓના વાલીઓ કોઇ પગલું ભરવા મજબુર બનશે.