1લી માર્ચ બાદ સોમવારે શહેરમાં કોવિડનો નવો એકપણ કેસ ન નોંધાતા ભારે આશ્ર્ચર્ય
શહેરમાં ગઇકાલે સોમવારના દિવસે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો ન હતો. જો કે, તેની પાછળ કોર્પોરેશન અને ખાનગી તબીબો અને લેબની બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ગઇકાલે કોર્પોરેશન દ્વારા કોઇ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા ન હતા. તો સામા પક્ષે ખાનગી લેબ અને તબીબો દ્વારા પણ કોવિન વેબસાઇટ પર કોરોનાના એકપણ નવા કેસની વિગત અપડેટ કરવામાં ન આવતા રાજકોટ 1લી માર્ચ બાદ 42 દિવસ પછી કોરોના મુક્ત રહ્યું હતું. આજે શહેરમાં બપોર સુધીમાં 9 જેટલા કેસ નોંધાઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક તરફ શહેર રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાની ચોથી લહેરને ખાળવા માટે ટેસ્ટીંગ વધારવા પર ભાર મૂકી રહી છે તો બીજી તરફ કોર્પોરેશન ખૂદ બેદરકારી દાખવી રહ્યું છે. ગઇકાલે એકપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ન હોવાની કબૂલાત ખૂદ આરોગ્ય શાખાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ખાનગી લેબમાં પણ જે કોરોનાના ટેસ્ટ થયા હતા અને રિપોર્ટ પોઝીટીવ આવ્યા હોય તેનો ઉલ્લેખ વેબસાઇટ પર કરવામાં આવ્યો ન હતો. જ્યારે ખાનગી ડોક્ટરે પણ પોતાની ક્લીનીકમાં નોંધાયેલા કેસની વિગતો જાહેર કરી ન હતી. છેલ્લે રાજકોટ 1લી માર્ચે કોરોના મુક્ત રહ્યું હતું. હવે 42 દિવસના લાંબા અંતરાલ બાદ કોર્પોરેશન અને ખાનગી લેબ તથા ડોક્ટરોની બેદરકારીના કારણે ઝીરો કેસ રહેવા પામ્યો છે.
50,000 ટેસ્ટ કીટની માંગણી સામે માત્ર 6,000ની ફાળવણી
કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવામાં કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે કોરોના ટેસ્ટ માટે 50 હજાર કીટની માંગણી કરવામાં આવી હતી. જેની સામે તાજેતરમાં સરકાર દ્વારા માત્ર 6,000 કીટની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવતી ન હોવાના કારણે છેલ્લા એક પખવાડીયાથી શહેરમાં વેક્સિનેશનની કામગીરી સંપૂર્ણપણે બંધ છે. સરકાર ટેસ્ટીંગ પર ચોક્કસ ભાર મૂકી રહી છે પરંતુ સામા પક્ષે ટેસ્ટ માટે જરૂરી કિટની ફાળવણી કરતી નથી. જેના કારણે કોરોના સતત વકરી રહ્યો છે.