જિલ્લા સરકારી ચોપડે સવારે 10 વાગ્યાની સ્થિતિએ 212 બેડ ખાલી: ખાનગી હોસ્પિટલોમાં સવારે 51 બેડ ખાલી થયા બાદ બપોર સુધીમાં તમામ ભરાઈ ગયા
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબ વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધતાં બેડની અછત પણ સર્જાઈ છે. ત્યારે કોરોનાની સારવાર માટે હાલના ટ્રેન્ડ પ્રમાણે ખાનગી હોસ્પિટલો હોટ ફેવરીટ રહી છે જે ગઈકાલે હાઉસફૂલ થયા બાદ આજે પણ ફરી હાઉસફૂલ થઈ ગઈ છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હદબહાર વધ્યું છે ત્યારે શહેરની હાલત તો બદતર થઈ હોવાનું જણાઈ રહ્યું છે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. સવારે ખાનગી હોસ્પિટલોમાં 51 બેડ ખાલી હાલતમાં હતા પરંતુ બપોર બાદ આ તમામ બેડ ફૂલ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યાં છે. સામે હોસ્પિટલના ખાટલા ઓછા પડી રહ્યાં છે. હાલ તંત્ર બેડની સંખ્યા વધારવા બનતા તમામ પ્રયાસો હાથ ધરી રહ્યું છે. બેડની સવારે 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં કુલ 2227 બેડ ઉપલબ્ધ હતા. તેમાંથી 1850 બેડ ઓક્સિજનની સુવિધાવાળા હતા. 475 વેન્ટિલેટરની સુવિધા હતી. 2015 બેડ ઉપર દર્દી દાખલ હતા અને ખાલી બેડની સંખ્યા 212 હતી. વિસ્તૃત વિગત જોઈએ તો પીડીયુ હોસ્પિટલમાં 590 બેડ ઉપલબ્ધ છે. જેમાં 538 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે અહીં 201 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. 558 બેડ ઉપર દર્દીઓ દાખલ છે. ખાલી બેડની સંખ્યા 32 છે. જ્યારે સમરસમાં 236 બેડની સુવિધા છે. આ બેડ પૈકી તમામ બેડ ઓક્સિજન વાળા છે. અહીં 190 દર્દી દાખલ હોય ખાલી બેડની સંખ્યા 46 છે. ઈએસઆઈએસમાં 41 બેડ ઉપલબ્ધ છે જે તમામ ઓક્સિજનની સુવિધાવાલા છે અને તમામ બેડ ખાલી હાલતમાં છે. કેન્સર હોસ્પિટલમાં 192 બેડ ઉપલબ્ધ છે. 177 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. હાલ અહીં 175 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જેથી 17 બેડ ખાલી છે. ગોંડલમાં 55 બેડ ઉપલબ્ધ છે. જેમાં 54 બેડ ઓક્સિજની સુવિધા ધરાવે છે અને 52માં દર્દી દાખલ છે અને 3 બેડ ખાલી છે. જસદણમાં 24 બેડ ઉપલબ્ધ છે જે તમામ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. 23 બેડમાં દર્દી દાખલ છે અને 1 બેડ ખાલી હાલતમાં છે. ધોરાજીમાં 70 બેડ ઉપલબ્ધ છે 35 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે, 49 બેડ ઉપર દર્દી દાખલ છે અને 21 બેડ ખાલી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં સવારે 10 વાગ્યાની સ્થિતિ 1019 બેડની વ્યવસ્થા હતી. જેમાં 745 બેડ ઓક્સિજનની સુવિધાવાળા હતા. અહીં 274 વેન્ટિલેટર ઉપલબ્ધ હતા. 968 બેડ ઉપર દર્દીઓ દાખલ હતા. જેથી 51 બેડ ખાલી હાલતમાં હતા. પરંતુ બપોરે 3 વાગ્યે હેલ્પલાઈનનો સંપર્ક કરતા ખાનગી હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી હાલતમાં નહોતા.