વિવિધ તબીબ એસોસિએશનના પદાધિકારીઓ સાથે પ્રભાસ અધિકારી ડો. રાવે બેઠક યોજી
રાજયમાં કોરોનાના દર્દીઓમાં અમદાવાદ પછી વડોદરા શહેર બીજા નંબરે હોવાથી આ રોગચાળો વધતો અટકે અને લોકોને પણ ઝડપથી અને વધુ ઘનિષ્ઠ સારવાર મળી શકે તે માટે વડોદરાના પ્રભારી અધિકારી ડો. વિનોદ રાવે શહેરનાં તબીબોને કોરોનાની હોમ કવોરન્ટાઈન સારવાર માટે અધિકૃત કર્યા હતા.
મંગળવારે ડો. વિનોદ રાવે શહેરનાં ઈન્ડિયન મેડીકલ એસો.ના પદાધિકારીઓ, ફેમીલી ફિઝીશ્યન એસો. ઓર્થોપેડીક એસો.ના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરમાં વધી રહેલા કોરોના રોગચાળાને કાબુમાં લેવા લેવાઈ રહેલા વિવિધ પગલાની જાણકારી આપવા સાથે ખાનગી તબીબોનો સહયોગ માગી ચર્ચા વિચારણા કરી સુચના આપવામાં આવ્યા હતા. સામાજીક અંતર જાળવીને યોજાયેલી આ બેઠકમાં કોરોનાના કેસ ઝડપથી શોધી શકાય અને લોકોને નજીકમાં જ કવોરન્ટાઈન કે સારવાર મળી શકે તે માટે અલગ અગલ કાઉન્સીલમાં નોંધાયેલા તમામ તબીબોને કોરોનાના શંકાસ્પદ દર્દીઓને શોધવા તથા સારવાર માટે અધિકૃત કરવામાં આવ્યા હતા અને સરકારી તંત્ર સાથે ખાનગી તબીબોની સેવા લેવા પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. તબીબોએ પણ તંત્રની મદદ કરવા સંપૂર્ણ તૈયારી બતાવી હતી.
શહેરના લોકોને કોરોના મહામારીમાં અસરકારક સારવાર મળી રે તે માટે ખાનગી તબીબોએ પણ અલગ અલગ સુચનો કર્યા હતા. તેની પણ વહીવટી તંત્રે નોંધ લઈ વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરી હતી.
સાંજે સાત વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ: પો. કમિશનર
વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવાયું છે કે સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી લોકો માસ્ક પહેરી બહાર નીકળી શકશે પરંતુ સાંજના ૭ થી સવારે ૭ વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. લોકો આવશ્યક કામ સિવાય આ સમયગાળા દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
રાજયમાં કોરોના રોગચાળો ફેલાયો છે ત્યારે વર્તમાન સંજોગોમાં રાજયના પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તેમની સુચનાઓનું પાલન કરાવાઇ રહ્યું છે. શહેરના નાગરીકોને પોલીસની કામગીરીનો સહયોગ આપવા પણ તેમણે અપીલ કરીહતી.
વડોદરામાં રેલવેને ૫૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવાનો આદેશ
શહેરમાં હાલ કોરોનાના રોગચાળાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે મ્યુ. કમિશ્નરે વડોદરા રેલવે તંત્રને કોરોનાની સારવાર કરી શકાય તે માટે ખાસ બે હોસ્પિટલ ઉભી કરવા આદેશ કરાયો છે. રેલવેને ૫૦૦ બેડની હોસ્પિટલની સુવિધા કરવા જણાવાયું છે.
વડોદરાના પ્રભારી ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ મ્યુ. કમિશ્નરે વડોદરાના રેલવે ડીવીઝનલ મેનેજરને પત્ર પાઠવી જણાવ્યું છે કે હાલમાં કોરોનાનો રોગચાળો વધી રહ્યો છે.ત્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સુવિધા વધારવી ખાસ જરૂરી છે. રેલવે તંત્ર હાઈસ્પીડ રેલવે હોસ્પિટલ તથા ડીવીઝનલ રેલવે હોસ્પિટલ માટે કોરોનાની સારવાર માટે સુવિધા ઉભી કરે આમાટે ખાસ અધિકારીની નિમણુંક કરે. બંને જગ્યાએ મળી ૫૦૦ બેડની સુવિધા શરૂ કરવામાં આવે આ કામગીરી જેટલી ઝડપથી કરી શકાય એટલી ઝડપથી કરવા રેલવેને જણાવાયું છે.