’No’ બેંક જલ્દી ’YES’માં બદલાશે!!!

આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એક્સિસ, મહિન્દ્રા સહિતની બેંકો તથા રાધાક્રિષ્ન દામાણી, રાકેશ ઝુનઝુનવાલા અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ સહિતના રોકાણકારો યસ બેંકમાં રૂ.૧૨૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરશે

ખાનગી ક્ષેત્રમાં યસ બેંકને મુશ્કેલીમાંથી ઉગારવા માટે નાણા મંત્રાલય દ્વારા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ પ્લાનના અનુસંધાને આઈસીઆઈસીઆઈ એચડીએફસી, એક્સિસ અને મહિન્દ્રા સહિતની બેંકો તથા રાધાક્રિષ્ન દામાણી, રાકેશ ઝુનઝુનવાલા અને અજિમ પ્રેમજી સહિતના રોકાણકારો દ્વારા રૂા.૧૨૦૦૦ કરોડથી વધુની રકમ યસ બેંકમાં રોકાણ કરવામાં આવશે. એસબીઆઈ દ્વારા ૪૫ ટકા હિસ્સો લેવાયો છે. બાકીનો ૪ ટકાથી વધુનો હિસ્સો આ રોકાણકારો પાસે રહેશે.

આરબીઆઈ પાસે યસ બેંકને ઉગારવાનો ફાઈનલ પ્લાન મોકલવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા રૂા.૩૦ હજાર કરોડની બલ્ક ડિપોઝીટ યસ બેંકમાં ઠાલવવામાં આવશે. ૭ જેટલા મોટા રોકાણકારો યસ બેંકમાં રોકાણ કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા સુચન અનુસાર એસબીઆઈ ૪૯ ટકા જેટલો હિસ્સો રૂા.૭૨૫૦ કરોડના રોકાણથી હસ્તગત કરશે. રૂા.૧૦ લેખે યસ બેંકના શેરની ખરીદી થશે. એસબીઆઈ દ્વારા આ ખરીદી માટે રૂા.૭૨૫ કરોડની ફાળવણી કરાઈ છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ એસબીઆઈ સહિતના રોકાણકારો દ્વારા યસ બેંકની રૂા.૨૦  હજાર કરોડથી વધુની કેપીટલ બજાર સર કરવામાં મદદરૂપ બની રહેશે. તાજેતરમાં બેંકના બોન્ડ હોલ્ડરોએ સેન્ટ્રલ બેંકને રૂા.૧૭ હજાર કરોડના બોન્ડ માટેની દરખાસ્ત કરી હતી. જો આ દરખાસ્તનો સ્વીકાર થશે તો યસ બેંકને મુશ્કેલીમાંથી ઉગારવા મદદ મળશે. આ ઉપરાંત રોકાણકારો માટે યસ બેંકમાં રોકવામાં આવેલા નાણાનો ત્રણ વર્ષનો લોક પીરીયડ રહેશે. ખાનગી રોકાણકારો દ્વારા એસબીઆઈ સાથે મળી સરેરાશ ૪૯ ટકાનો હિસ્સો યસ બેંકમાંથી લેવાશે.

6.saturday 1

વધુ વિગતો મુજબ યસ બેંકને ઉગારવા માટે કેન્દ્ર સરકારે બેલઆઉટ પ્લાનને મંજૂરી આપી દીધી છે. આગામી ત્રણ દિવસમાં યસ બેંકમાં તોતીંગ મુડી રોકાણ થશે. બેંકમાં થાપણદારો અને શેર હોલ્ડર્સના હિત જળવાઈ રહે તે માટે સ્ટેબલ ફાયનાન્સીયલ વાતાવરણ નાણા મંત્રાલયના સહયોગથી ઉભુ કરવામાં આવશે. આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક દ્વારા ૧૦૦૦ કરોડ, અક્સિસ બેંક દ્વારા ૬૦૦ કરોડના ઈક્વિટી શેર ખરીદવામાં આવશે. રોકાણકારો દ્વારા લેવાયેલા પગલા બાદ યસ બેંક પણ મુશ્કેલીમાંથી નીકળવાનો પ્રયાસ કરશે. જેના અનુસંધાને રૂા.૬૨૦૦ કરોડ બેંક એકઠા કરશે.

યસ બેંકમાં કોણ કેટલા નાણા રોકશે

યસ બેંકને ઉગારવા માટે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એક્સિસ તથા કોટક સહિતની ખાનગી બેંકો દ્વારા બેંક દીઠ રૂા.૧૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૭૨૫૦ કરોડનું રોકાણ થશે. જ્યારે દામાણી, ઝુનઝુનવાલા અને અજિમ પ્રેમજી દ્વારા રૂા.૫૦૦-૫૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત પબ્લિક સેકટરની બેંકો દ્વારા ૨૦,૦૦૦ કરોડની ડિપોઝીટ જમા કરાશે.

પ્રશાંતકુમારને નવા સીઈઓ તરીકે નિમવા દરખાસ્ત

અત્યાર સુધી યસ બેંકના વહિવટ સાથે સંકળાયેલા પ્રશાંતકુમારને યસ બેંકના નવા સીઈઓ તરીકે નિમવાની દરખાસ્ત કરવામાં આવી છે. એક તરફ દેશના ટોચના રોકાણકારો યસ બેંકમાં મસમોટુ રોકાણ કરવા જઈ રહ્યાં છે ત્યારે પ્રશાંતકુમારને બેંકના સીઈઓ તરીકે નિમવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સુચન કરાયું છે. અત્યાર સુધી પ્રશાંતકુમાર યસ બેંકના એડમીનીસ્ટ્રેટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં હતા તેવું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.