ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આખરે દિલ્હી કેપિટલ્સએ સાત વિકેટથી જીત મેળવી હતી. આ વિજય પાછળ મહત્વનો ફાળો ઓપનર પૃથ્વી શોનો હતો. પ્રથમ ઓવરમાં જ 6 ચોગ્ગા મારીને ફેન્સના દિલ જીત્યા. શોએ 41 બોલમાં 82 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નબળા પ્રદર્શન બાદ તેને ટીમ ઈન્ડિયાથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પૃથ્વી ફોર્મમાં જબરદસ્ત પાછો ફર્યો. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી પછી પૃથ્વીનો જાદુ IPLમાં ચાલ્યો.
પૃથ્વીએ મેચ બાદ કહ્યું, ‘હું કાંઈ વિચારતો ન હતો. હું જાણતો હતો કે શિવમ માવી મને કયો બોલ ફેંકશે, કારણકે અમે જુનિયર કક્ષાએ ચાર-પાંચ વર્ષ સાથે રમ્યા હતા. જ્યારે મને લાગે છે કે હું ફોર્મમાં છું, ત્યારે હું રન વિશે વિચારતો નથી. હું મારા વિશે પણ વિચારતો નથી, મારો વિચાર ફક્ત ટીમને જીતાડવાનો હોય છે.’
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર પૃથ્વી શોએ કહ્યું કે, ‘મારા પિતાએ તે સમયે મને ખૂબ સાથ સહકાર આપ્યો હતો.’ તેણે કહ્યું હતું કે, ‘તેમે તમારી રમત રમતા રહો. ક્રિકેટમાં ઉત્તર ચડાવ તો આવે રાખે, તમે મહેનત કરી તમારી રમત રમતા રહો.’