મહિલા, દિવ્યાંગો, બીમાર સહિતના કેદીઓને જેલ મુક્તિ આપવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પત્ર મોકલી યાદી તૈયાર કરવા જણાવ્યું
કેન્દ્રએ રાજ્યોને અમુક ચોક્કસ ગુનાઓમાં દોષિત ઠરેલા કેદીઓને મુક્ત કરવા જણાવ્યું છે. ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે 50 ટકા કે તેથી વધુ સજા ભોગવી ચૂકેલા કેદીઓને મુક્ત કરવાનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ વર્ષે 15મી ઓગસ્ટ એટલે કે પ્રજાસત્તાક દિવસ અને આવતા વર્ષે સ્વતંત્રતા દિવસે ત્રણ તબક્કામાં કેદીઓને મુક્ત કરવામાં આવશે.
10 જૂનના રોજ તમામ રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં ગૃહ મંત્રાલયએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 21 એપ્રિલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો અને લેફ્ટનન્ટ ગવર્નરો/પ્રશાસકોને પત્ર લખીને વિનંતી કરી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ છૂટ તે ખાસ કેટેગરીના દોષિત કેદીઓને લાગુ પડશે જેમણે જેલમાં તેમના કાર્યકાળ દરમિયાન સતત સારું વર્તન જાળવી રાખ્યું છે. ખાસ કરીને જેમને છેલ્લા ત્રણ વર્ષમાં તેમની સજા દરમિયાન કોઈ અન્ય સજા મળી નથી.
કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર અલગ અલગ પ્રકારના કેદીઓને આનો લાભ મળી શકશે. જેમાં 50 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલા અને ટ્રાન્સજેન્ડર અપરાધીઓ કે જેમણે તેમની કુલ સજાના 50% પૂર્ણ કર્યા છે.60 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરૂષ અપરાધીઓ જેમણે તેમની કુલ સજાના 50% (સામાન્ય માફીના સમયગાળા સિવાય) પૂર્ણ કર્યા છે તેમને પણ આ નિર્ણયનો લાભ મળશે.
શારીરિક રીતે વિકલાંગ/અપંગ અપરાધીઓ (મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણિત) 70% અથવા વધુ વિકલાંગતા ધરાવતા કે જેમણે તેમની કુલ સજાના 50% પૂર્ણ કર્યા છે. ગંભીર રીતે બીમાર ગુનેગાર (મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણિત) દોષિત કેદીઓ કે જેમણે તેમની કુલ સજાના બે તૃતીયાંશ (66%) પૂર્ણ કરી લીધી હોય તેમને પણ લાભ મળી શકશે.