જેલની અભેદ સુરક્ષા વચ્ચે જયાં ચકલુ પણ ન ફરકી શકે ત્યાં ડેન્ગ્યુએ કેદીનો જીવ લીધો
દેશભરમાં જયારે સ્વચ્છતા અભિયાનની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે રાજકોટ જેલમાં સ્વચ્છતાનાં લીરેલીરા ઉડયા હોય તેમ ડેન્ગ્યુથી એક કેદીનું મોત નિપજયાનું પ્રકાશમાં આવ્યું છે. જેલમાં જયારે સુરક્ષાનાં પગલે એક ચકલુ પણ ફરકી શકતું ના હોય ત્યારે રોગચાળાએ દેખા દેતા મુંબઈનાં કેદીનું ડેન્ગ્યુ અને ન્યુમોનિયાની બિમારીથી મોત નિપજતા તંત્રની બેદરકારી સામે આવી હતી.
રાજકોટ અને સૌરાષ્ટ્રભરનાં કેદીઓેને ચુસ્ત અને કડક સુરક્ષા વચ્ચે જયારે રાજકોટ જેલમાં રાખવામાં આવે છે ત્યારે ત્યાં થતા રોગચાળા અને બિમારી પર અંકુશ રાખવામાં તંત્ર બેદરકાર નિવડયું હોય તેમ લાગી રહ્યું છે. મુળ મુંબઈનાં અને પોરબંદરમાં એનડીપીએસ ડ્રગ્સનાં કેસમાં આવેલા કેદી ઈરફાન અહેમદ મોહમદ શરીફ શેખ નામના ૪૫ વર્ષનાં આધેડની તબિયત લથડતા જેલનાં તબીબે તેની તપાસ કરી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં એક અઠવાડિયા સુધી સારવાર બાદ ડેન્ગ્યુની સાથે ન્યુમોનિયા વાયરસ પણ ભળતા કેદીનું મોત નિપજયું હતું.
જેલમાં જયારે સામાન્ય માણસો કે જેલમાં પ્રવેશ કરવા માટે અભેદ સુરક્ષાઓની કસોટી પાર કરવી પડે છે ત્યારે મચ્છરોનાં લારવા, ગંદકીથી ફેલાતા રોગચાળા, પાણીજન્ય અને વાહકજન્ય રોગોએ માજા મુકતા કેદીઓનાં સ્વાસ્થ્ય પર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ જેલની સુરક્ષાઓ કડક બનતી રહે છે ત્યારે જેલની અંદર થતી ગંદકીઓ કે જેના દ્વારા થતા રોગચાળાને અંકુશમાં રાખવા જેલનું તંત્ર નિષ્ફળ નિવડયું હોય તેમ મુળ મુંબઈનાં કેદીને જેલમાં ડેન્ગ્યુ ઈન્ફેકશન લાગુ પડતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.
ચોમાસાની ઋતુમાં જયારે ચારેય તરફ રોગચાળાએ માઝા મુકી છે ત્યારે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોડ અને શરદી-ઉધરસનાં દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે સુરક્ષામાં પ્રબળ ગણાતા જેલમાં પણ સ્વચ્છતા નેવે મુકી રોગચાળાએ દેખા દીધી છે. બે વર્ષથી સજા ભોગવી રહેલા ઈરફાન અહેમદ શેખને અઠવાડિયા પહેલા તાવ આવવાથી જેલમાં પ્રાથમિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં તેને ડેન્ગ્યુ અને ન્યુમોનિયાની અસરથી મોત નિપજતા જેલની સ્વચ્છતા સામે અઘરા સવાલો ઉઠી રહ્યા છે.
જેલમાં સુરક્ષાની સાથો સાથ કાચા અને પાકા કામનાં કેદીઓની સ્વસ્થતાની જવાબદારી પણ જેલતંત્ર પર હોય છે ત્યારે સ્વચ્છતાનાં અભાવનાં પગલે રોગચાળામાં હવે જેલનાં કેદીઓ પણ સપડાવા લાગ્યા છે ત્યારે તંત્રમાં બેદરકારીનો અભાવ દેખાઈ રહ્યો છે. ડેન્ગ્યુ જેવા ગંભીર રોગ જેલની સુરક્ષા અને સ્વચ્છતાનાં અભાવને પડકારતા એક કેદીનો ભોગ લેવાયાનું પ્રકાશમાં આવ્યું છે ત્યારે સઘન સુરક્ષા વચ્ચે કેદીઓનાં સ્વાસ્થ્ય અને જેલની સ્વચ્છતા અંગે તંત્ર સામે પ્રશ્ર્નાર્થચિહન થઈ રહ્યા છે.