પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ઉચ્ચ શિક્ષિત હોય જનતાને લાભ મળશે
મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ પદે ચંદુભાઈ છગનભાઇ સિહોરા અને ઉપ પ્રમુખ પદે જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાની બિનહરીફ વરણી થઈ છે પદભાર સંભાળતાની સાથે જ ઉચ્ચ શિક્ષિત બન્ને હોદ્દેદારોએ માળખાગત સુવિધાઓને પ્રાધાન્ય આપવાનો કોલ આપ્યો હતો.
જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો પૈકી 14 બેઠકો ભાજપે કબ્જે કરી હતી. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે 22 બેઠકોનું સંખ્યાબળ હતું. ગત 5 વર્ષો દરમ્યાન કોંગ્રેસે મોરબી જિલ્લા પંચાયત પર શાસન ભોગવ્યું હતું સતા પરિવર્તન સાથે આજે બુધવારે પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા ચંદુભાઈ છગનભાઇ મૂળ હળવદના નાના એવા કેદારીયા ગામના વતની છે. જેઓએ એન્જીનીયરીંગ બી સિવિલમાં 4 સેમેસ્ટર સુધીનો અભ્યાસ કરેલો છે. છેલ્લા 25 વર્ષોથી જાહેર જીવનમાં રહેલા ચંદુભાઇએ જણાવ્યું હતું કે, રાજનીતિમાં કાર્યકર્તા તરીકે પગરણ કર્યા બાદ લોકોના નાના મોટા દરેક કામો ખુબ ખંતથી કર્યા છે. ક્યારેય કોઈ પદ કે હોદ્દાની લાલચ રાખી નથી. સામાન્ય માનવીના આધારકાર્ડ કઢાવવાથી લઈને, માં અમૃતકાર્ડ, રાશનકાર્ડ કે કોઈ પણ સરકારી યોજનાના લાભાર્થીઓ સુધી એ લાભ પહોંચે એ માટે સતત કાર્યરત રહ્યો છું. આ અગાઉ ચંદુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં કોષાધ્યક્ષ તરીકે અને ગત ટર્મમાં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી નિભાવી ચુક્યા છે.
આવનારા વર્ષોમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાની ખાત્રી ઉચ્ચારતા ચંદુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના પાક વીમા પ્રશ્ને, સિંચાઇની જરૂરિયાત સંદર્ભે તેમજ છેવાડાના ગામડાઓ સુધી શુદ્ધ પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેશે. આ ઉપરાંત ગટર વ્યવસ્થા, સ્વચ્છતા જેવી માળખાગત સુવિધાઓને તેઓ પ્રાધાન્ય આપશે તેવું ચંદુભાઇએ અંતમાં ઉમેર્યું હતું.
જીલ્લા પંચાયતના નવા ઉપપ્રમુખ જાનકીબેન સૌથી નાની વયના ઉપપ્રમુખ છે. 33 વર્ષીય જાનકીબેન તેમના પતિના પગલે રાજનીતિમાં પ્રવેશ્યા છે. બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરી ચૂકેલા જાનકીબહેને મોરબી અપડેટ સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, રાજનીતિમાં પ્રવેશીને સમાજ સેવા કરવા માટે તેમના પતિ તરફથી તેઓને ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે. સ્ત્રીઓ પુરુષ સમોવડી બની છે જેમાં મારા પતિની વિચારસરણી જેવી વિચારધારા ધરાવતા પુરુષોનો ફાળો મહત્વનો હોય છે. ઘરની ચાર દીવાલોમાંથી બહાર આવી આજે સ્ત્રીઓ ન તો માત્ર પોતે પગભર થઈ રહી છે અન્ય મહિલાઓના ઉતકર્ષ માટે પણ પ્રયાસરત છે. આવનારા દિવસોમાં મોરબી જિલ્લાઓની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની મહિલા ઉત્કર્ષના કાર્યોને પ્રાધાન્ય આપવાની નેમ ધરાવતા જાનકીબહેને મોરબી અપડેટને અંતમાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરવાનું મારુ પ્રાધાન્ય રહેશે. જો સમાજનો નાગરિક સુશિક્ષિત હશે તો મોટાભાગની સમસ્યાઓ સર્જાવવાની સંભાવના ઘટી જતી હોય છે. આથી શિક્ષણ પર હું વિશેષ ધ્યાન આપીશ. આ ઉપરાંત રોડ-રસ્તા, પાણી અને આરોગ્ય ક્ષેત્રે કોઈ પ્રશ્નો ન ઉદભવે એ માટે સતત પ્રયત્નશીલ રહીશ.