૩૫ લાખ સુધીની હોમ લોનને વધુ પ્રાથમિકતા આપી સસ્તી બનાવાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાઉસીંગ ફોર ઓલ યોજનાને વધુ લોકભાગ્ય બનાવવા રીઝર્વ બેન્ક દ્વારા કમર કસવામાં આવી છે અને પ્રાયોરીટી સેકટર હેઠળ ઘરના ઘર માટે હવે ૩૫ લાખ સુધીની લોનને વધુ સસ્તી બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.
રીઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, ૪૫ લાખથી ઓછી કિંમતના ઘર માટે ૩૫ લાખ સુધીની હાઉસીંગ લોનને પીએસએસ એટલે કે અગ્રતાના ધોરણે લેવામાં આવતા અને બજારના વ્યાજદર કરતા સસ્તા વ્યાજદરે હાઉસીંગ લોન આપવામાં આવશે. હોમ લોનને પીએસએસ માર્ગદર્શિકા મુજબ અનુસરવા જણાવી આર્થિક રીતે નબળા વર્ગ અને લો ઈન્કમ ગ્રુપને લાભ આપવામાં આવનાર હોવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
રીઝર્વ બેન્કની નવી નીતિ અંતર્ગત ઘરનું ઘર લેવા માટે સસ્તા વ્યાજદરે લોન આપવા માટે શહેરી વિસ્તારમાં ૩૫ લાખ અને અન્ય વિસ્તારમાં ૨૫ લાખ સુધીની મર્યાદા રાખવામાં આવી છે. આમ રીઝર્વ બેંક દ્વારા હાઉસીંગ લોનની નવી નીતિ અમલી બનાવતી રીયલ એસ્ટેટમાં તેજીની આશા જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રીઝર્વ બેન્ક દ્વારા અગાઉ ૬ જુનના રોજ જારી કરેલ દ્વિમાસિક પોલીસી અંતર્ગત છુટછાટ જાહેર કરવામાં આવી હતી અને અગાઉની ૨૮ લાખ અને ૨૫ લાખની મર્યાદા વધારી ૩૫ લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે.
વધુમાં રીઝર્વ બેંક દ્વારા પ્રાયોરિટી સેકટર અન્વયે રૂપિયા ૨ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને ઈડબલ્યુએસ અને એસ.આઈ.જી. ગ્રુપમાં આવતા ૩ લાખ જેટલી વાર્ષિક આવક ધરાવનારને આ હાઉસીંગ લોનનો લાભ આપવા નીતિ બનાવી છે. આમ, રીઝર્વ બેન્ક દ્વારા ઘરના ઘર માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ધ્યાને લઈ ફેરફાર કરી સસ્તા દરે હાઉસીંગ લોનની મર્યાદા વધારતા વર્ષોથી ઠપ્પ થયેલ રીયલ એસ્ટેટના ધંધામાં તેજી થાય તેવી શકયતા જોવાઈ રહી છે.