ગોંડલ તાલુકામાં ૧૬૦૦ શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરાયું

 

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં સરપંચઓનું સન્માન તથા ઈ-શ્રમ પોર્ટલમાં નોંધાયેલા ગોંડલ તાલુકાના ૧૬૦૦ શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકની ચિંતા અમારી સરકાર કરે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગામડાની ચિંતા કરે છે. ગ્રામ્ય વિસ્તારને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. ગ્રામ્ય વિસ્તારની તમામ જ‚રિયાત પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. રોજગારી પ્રદાન કરવામાં રાજ્ય સરકાર મહત્વનો ભાગ ભજવે છે. ઈ-શ્રમ કાર્ડ દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સંગઠિત કરીને મહત્તમ રોજગારી પ્રદાન કરવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. ગ્રામ વિકાસના કાર્યોને પ્રાથમિકતા એ જ અમારી સરકારનો મુખ્ય ઉદેશ્ય છે. સરકારની તમામ યોજનાઓનો અસરકારક રીતે અમલમાં ગ્રામ્ય વિસ્તારોમાં થાય તે માટે સરકાર કટીબધ્ધ છે. અગ્રણી ભરતભાઈ બોઘરાએ તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે ગોંડલ તાલુકાના અસંગઠીત ક્ષેત્રના ૧૬૦૦ જેટલા શ્રમિકોની ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થનાર ૭૭ જેટલા સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે રાજકોટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, અગ્રણી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, સહદેવસિંહ જાડેજા, શિતલબેન કોટડીયા, ભાર્ગવભાઇ આંદિપરા સહિત જિલ્લા પંચાયતના કારોબારી સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, માજી સૈનીકો અને તમામ ખેડુત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.