ho

સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અઘ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જીલ્લામાં રૂ ૭૩૦.૭૯ લાખોના કામો મંજુર

રાજયના પાણી પૂરવઠા મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી આ બેઠકમાં મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતુ કે, જિલ્લના આયોજન મંડળના કામોમાં આંગણવાડી, શાળાના પ્રશ્નો, પાણી, રસ્તા, પંચાયતઘર જેવા સામુહિક વિકાસ કામોને અગ્રતા આપવી જોઇએ અને તાલુકાના દરેકે દરેક ગામોનો આ કામમાં સમાવેશ થાય તે જોવું જોઇએ.

આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા માટે રૂ. ૭૩૦.૭૯ લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં ૧૫ ટકા વિવેકાધિન(સામાન્ય) હેઠળ રૂ. ૩૫૫.૦૦ લાખ, ૧૫ ટકા વિવેકાધિન (અ.જા.) રૂ. ૬૫ લાખ, ૫ ટકા પ્રોત્સાહક હેઠળ રૂ. ૧૦ લાખ, ખાસ પછાત વિસ્તાર રૂ. ૧૯.૯૪ લાખ, નગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૨૦.૮૫ લાખ તથા વિવેકાધિન યોજના હેઠળ રૂ. ૧૬૪ લાખના કામોનો સમાવેશ થાય છે.

આ તબકકે મંત્રી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતુ કે, આયોજન મંડળની બેઠકમાં પીવાના પાણીના કામો પણ સૂચવવા જોઇએ જેથી અછતવાળા ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહિ.મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા કામોમાં એસ્ટીમેન્ટ  સત્વરે બનાવી તમામ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરી સમયસર કામ શરૂ કરી દેવા જોઇએ જેથી જિલ્લાને મળેલી વિકાસ કામોની ગ્રાન્ટનો  સમયસર ઉપયોગ થઇ શકે.

જિલ્લા કલેકટર  કે. રાજેશે જણાવ્યું હતુ કે, આયોજન મંડળના કામોમાં સંસદસભ્ય,  ધારાસભ્ય  અને જિલ્લાના પદાધિકારીઓ જે કામ સૂચવે તે તમામને ધ્યાનમાં રાખીને જે તે તાલુકાના કામોનું આયોજન કરવું જોઇએ. આ બેઠકમાં ઉપસ્થિત સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય સર્વશ્રી સોમાભાઇ પટેલ, નવસાદ સોલંકી, ઋત્વીક મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેને ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો રજુ કર્યા હતા, જે સૂચનો ધ્યાને લેવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એન.જી. પટેલ, તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.