સોમનાથ-ઓખા એકસપ્રેસમાં ઉતાવળમાં ભુલાઈ ગયેલી કિંમતી બેગ આરપીએફના સ્ટાફે યાત્રીને સુપ્રત કરી
રાજકોટ રેલવે મંડળના પ્રબંધક પી.બી.નિનાવે આરપીએફ સુરક્ષા દળના સ્ટાફને બિરદાવતા જણાવ્યું કે, સોમનાથ-ઓખા એકસપ્રેસ નં.૧૯૨૫૧ ઓખા સ્ટેશન પર આવી ત્યારે ઓન ડયુટી રેલવે સુરક્ષા દળ સ્ટાફના તારાચંદ જયારે ગાડીને ચેક કરી ત્યારે એસ-૧ કોચના બર્થ નં.૪૦ પર એક કાળા કલરની બેગ લાવારિશ હાલતમાં જોવા મળી. તેઓએ તે બેગને આરપીએફ આઉટ પોસ્ટ ઓખામાં લઈ ગયા અને ચેક કરી તો તેની અંદર એક પર્સ મળ્યું જેમાં મોબાઈલ નં પણ હતો તે નંબર પર સંપર્ક કરતા તે વ્યકિતએ બેગ પોતાનું હોવાનું જણાવ્યું. યાત્રીને આરપીએફ આઉટ પોસ્ટ ઓખા બોલાવવામાં આવ્યા.
આ યાત્રીનું નામ ધનંજય ભિમાણી (ઉ.વ.૨૭) મીઠાપુરનો રહેવાસી હોવાનું જણાવ્યું તે ૮ ઓકટોબરે ટ્રેન નં.૧૯૨૫૧માં જામનગરથી મીઠાપુર સ્ટેશન આવી રહ્યો હતો અને રસ્તામાં ઉંઘ આવી ગઈ અને તે ઓખા ઉતરી ગયા. ઓખા ઉતરતા ઉતાવળમાં બેગ ભુલાઈ ગઈ. આરપીએફ ઓખાના સબ ઈન્સ્પેકટર દુર્ગાદાસ જાધવ દ્વારા સંબંધિત પુછપરછ અને દસ્તાવેજ પરીક્ષણ કરી સહી સલામત બેગ તેના મુખ્ય માલિક પાસે પહોંચાડી. આ બેગમાં એચપીનું લેપટોપ, લીનોવાનો મોબાઈલ, પર્સ જેમાં ૨૫૭૦ રૂપિયા રોકડા, આધારકાર્ડ અન્ય દસ્તાવેજ, લેપટોપનો કેબલ, હેંડ સેટ, પેનડ્રાઈવ, કાર્ડ રીડર, કાંડા ઘડીયાળ વગેરે સામાન સહી સલામત સુપ્રત કરાયો. આ સામાનની કુલ કિંમત ૬૦ હજાર રૂપિયા હતી. યાત્રીએ આરપીએફ સ્ટાફની કામગીરીને બિરદાવી. આ સાથે સુરક્ષા આયુકત મિથુન સોની અને પી.બી.નિનાવે પણ સ્ટાફને બિરદાવ્યો.