સ્વિમીંગ પુલ, મુખ્ય રંગમંચ અને જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટ સહિતનાં બાંધકામનાં પ્રોજેકટ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરાશે: ૫ રમત-ગમતનાં કોચની નિમણુક કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવેમ્બર માસનાં અંતમાં નેકની ફિ મુલ્યાંકન માટે આવી રહી છે જેના ભાગરૂપે આ વખતે નેક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ મળે તેવા પુરા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીએશન કાઉન્સીલની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ વર્ષનાં અંતે એટલે કે નવેેમ્બર માસમાં આવે તે પહેલા યુનિવર્સિટીનાં તમામ ૫૧ બિલ્ડીંગ નવા રંગરૂપ સાથે સજજ થશે સાથો સાથ રીનોવેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નેકનાં ક્રાઈટ એરીયા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્લસ ગ્રેડ મેળવવા માટે તમામ પ્રયાસો હાથધરી રહી છે ત્યારે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નેકનું મુલ્યાંકન આવે તે પહેલા જ યુનિવર્સિટીનાં તમામ ૨૯ ભવનો અને ૫૧ બિલ્ડીંગોમાં નવા રંગરૂપ કરવામાં આવશે અને જયાં-જયાં બાંધકામની કામગીરીની જરૂર છે ત્યાં રીનોવેશન કરવામાં આવશે. તેમજ ખુંટતું ઘટતું ભવનમાં ઉભું કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સ્વીમીંગ પુલ, મુખ્ય રંગમંચ અને જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટનો ઓડિયો-વિડીયો રૂમ સહિતનાં બાંધકામનાં પ્રોજેકટો તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય તે માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સાથો સાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નેશનલ લેવલનાં રમત-ગમતનાં મેદાનો છે તો આ તમામ રમત-ગમતનાં મેદાનો ફરી ધમધમતા થાય તે માટે લોન ટેનીસ, ક્રિકેટ, બેડમીન્ટન, હોકી સહિતની રમતોને પ્રોત્સાહન આપી મેદાનો શરૂ કરવા કુલ પાંચ કોચની પણ નિમણુક હાથ ધરવામાં આવશે. નેકનાં ક્રાઈટ એરીયાનાં ૧૦૦૦ માર્કસ હોય છે જેમાં ડેટા બેઈઝ પણ આપણો એટલો સક્ષમ છે કે, આ વર્ષે આપણે જરૂરથી એ પ્લસ ગ્રેડ મેળવી શકીશું.