પોલીસમાં ભરતી થયેલા જવાનોને ગુલામ બનાવી ન શોભે તેવું કામ કરાવવાની પરંપરા અટકાવવા રાજયના સાત આઇપીએસને ત્યાંથી ઓર્ડલી હટાવાયા
દેશમાં બ્રિટીશ શાસન સમયના કાયદા અને અમલદારશાહીનો હજી અનુભવ થઇ રહ્યો હોય તેવી ઓડર્લી પ્રથા છે. પોલીસમાં ભરતી થયેલા જવાન પાસે સનદી અધિકારીઓ પોતાના અંગત કામ માટે ઓડર્લી રાખી તેની પાસે ઘરનું તમામ કામ કરાવી ગુલામ બનાવી દેવામાં આવે છે ત્યારે રાજયમાં એક સાથે સાત આઇપીએસ અધિકારીને ત્યાં રાકવામાં આવેલા ઓડર્લીને હટાવવાના લેવાયેલા નિર્ણયથી આઇપીએસ અધિકારીઓ સ્તબ્ધ બની ગયા છે.
અંગ્રેજ આધિકારીઓ પોતાની સેવા ચાકરી કરવા માટે જ‚રીયાતમંદની પોલીસમાં ભરતી કરી પોતાના ઘરના અંગત કામ કરાવતાહતા. દેશ આઝાદ થયાને ૫૯ વર્ષ પછી બ્રિટીશ શાસનના કેટલાક નિયમને યથાવત રાખવામાં આવ્યા છે. અંગ્રેજ શાસનના અધિકારીઓ ઓડર્લી રાખી તેની પાસે રસોઇ બનાવી, શાકભાજી લાવવા, અધિકારીના બુટ પોલીસ કરાવવા, ઘરની અને કારની સફાઇ કરાવવા જેવી કામગીરી કરાવવામાં આવતી હતી.
દેશ આઝાદ થયો પણ ઓડર્લી આઝાદ ન થયા હોય તેમ આઇપીએસ અધિકારીઓએ ઓડર્લી રાખવાનું ચાલુ રાખ્યું હતું. ઓડર્લીને સરકારમાંથી પગાર ચુકવવામાં આવે છે પણ ઓડર્લીએ આઇપીએસ અધિકારીનું અંગત કામ જ કરવાનું હોય છે. ઓડર્લી પ્રથા અંગે અનેક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો હોવા છતાં આઇપીએસ અધિકારીઓએ પોતાની અંગત સુવિધા ન છીનવાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
રાજયમાં આઇપીએસ અધિકારીઓનું એક એસોસિએશન છે અને તેઓ પોતાની મનમાની ચલાવતા હોય છે. પણ તાજેતરમાં આઇપીએસમાં બે ગૃપ પડી ગયા હોવાથી અંદરો અંદર ખટપટ શ‚ થઇ ગઇ છે. જેના કારણે રાજયમાં કેટલા આઇપીએસ અધિકારીઓ નિયમ કરતા વધુ ઓડર્લી પોતાને ત્યાં રાખીને તેની પાસે ગુલામી કરાવી રહ્યા છે તે અંગેની વિગતો ગૃહ સુધી પહોચાડવામાં આવતા ગૃહ વિભાગ દ્વારા સાત જેટલા આઇપીએસ અધિકારીઓને ત્યાં અનઅધિકૃત રીતે રાખવામાં આવેલા ઓડર્લીઓને ગુલામીમાંથી મુકત કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગ દ્વારા ડીજી કચેરીને આઇપીએસ અધિકારીને ત્યાં રહેલા અનઅધિકૃત ઓડર્લીઓને છુટા કરવાના આદેશ કરવામાં આવતા ડીજીપી દ્વારા ઓડર્લીને તાકીદની અસરથી છુટા કરવા હુકમ કરવામાં આવ્યો છે. ઓડર્લી છુટા કરવા પાછળ ડીજીપી પી.પી.પાંડેના સેક્રેટરી ચંદ્રશેખરના પ્રમોશન અને એકટેશનનો વિવાદ પણ કારણભૂત હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આઇપીએસ અધિકારી મનોજ અગરવાલને આપવામાં આવેલા ઓડર્લી પૂર્વ મંજુરી વિના જ રાખવામાં આવ્યાનું સ્પષ્ટ બન્યું હોવાનું કહેવાય છે.
આઇપીએસ અધિકારીઓને પોતાની અંગત સુવિધા માટે પોલીસમાં ભરતી થયેલા જવાનોને ઓડર્લી બનાવવાની પ્રથા નાબુદ કરી આઇપીએસ અધિકારીઓની અંગત સેવા-ચાકરી માટે અલગ ભરતી કરવામાં આવે તેવો સુર પણ ઓડર્લીનું કામ કરતા કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ઉઠયો છે