આજે સવારના સેશનની પરીક્ષામાં એક પણ કોપી કેસ ન નોંધાયો
આજની સિન્ડીકેટની બેઠકમાં પ્રો.વંકાણીનો આંતરિક ફરિયાદ સમિતિનો રિપોર્ટ ખોલાશે: મહિલા અધ્યાપકની ચેમ્બરમાંથી સીસીટીવી દૂર કરવાનો નિર્ણય પણ લેવાશે
કોરોનાની મહામારીને કારણે દેશભરની શાળા-કોલેજો બંધ છે. ત્યારે બીજીબાજુ કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલથી જ પીજીની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષાના પ્રારંભે ડિપ્લોમાં ઈન યોગામાં એક કોપી કેસ નોંધાયો હતો. જ્યારે આજની પરીક્ષામાં વિવિધ ફેકલ્ટીમાં ૧૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે આજની એમ.કોમ. સેમ-૪ના એકાઉન્ટના પેપરમાં યુનિવર્સિટીની મોટી પ્રિન્ટીંગ મીસ્ટેક નજરે ચડી હતી. જેને લઈ વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થયા હતા. જો કે, પરીક્ષાના પાંચ મીનીટ બાદ જ આ પ્રિન્ટીંગ મીસ્ટેક સુધારવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આજના સવારની સેશનની પરીક્ષામાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના એમ.કોમ. સેમ-૪ના એકાઉન્ટના પેપરમાં પ્રિન્ટીંગ મીસ્ટેક થઈ હતી. જેમાં પ્રશ્ર્ન ત્રીજાના અથવાનો પ્રશ્ર્ન જેમાં વેંચાણમાં ૫ ટકા ઘટાડો કરવામાં આવે તો આ બે વખત છપાઈ ગયું હતું. જો કે તેને દૂર કરી એક વખત કરવામાં આવ્યું હતું અને બીજી ભુલમાં પ્રશ્ર્ન ૧ના અથવાનો પ્રશ્ર્ન ૧૪ માર્કનો હતો જે ૧૪ને બદલે ૨૦ ગુણ સમજવા તેમ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. જો કે પેપર શરૂ થયાના પાંચ મીનીટમાં સુધારો કરવામાં આવ્યો હતો જેથી વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી વેઠવી પડી ન હતી. આજની પરીક્ષામાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે સિન્ડીકેટની બેઠકનો દૌર શરૂ થયો હતો. જેમાં મહિલા અધ્યાપકની ચેમ્બરમાંથી સીસીટીવી દૂર કરવા મામલે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને ડો.વંકાણીનો આંતરીક ફરિયાદ સમીતીનો રિપોર્ટ પણ ખોલવામાં આવ્યો હતો. આ લખાતા સમયે સિન્ડીકેટની બેઠક હજુ શરૂ જ થઈ હતી. સાંજ સુધીમાં સમગ્ર સિન્ડીકેટ મામલે વધુ વિગતો બહાર આવશે.
સિન્ડિકેટ સભ્ય તરીકે જર્નાલીઝમ ભવનના વડા નીતા ઉદાણી બિનહરીફ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટ સભ્ય તરીકે ઈતિહાસ ભવનના વડા પ્રફૂલાબેન રાવલ છ માસ પહેલા જ નિવૃત થતાં તેઓએ રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ હેડની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારોની નોંધાવવાનો મંગળવાર છેલ્લો દિવસ હતો. સિન્ડીકેટ સભ્ય તરીકે વર્ષોથી સિન્યોરીટી મુજબ હેડ નિમવામાં આવે છે. આ વખતે હેડ તરીકે દક્ષાબેન ચૌહાણ ફોર્મ ભરવાના હતા. જો કે, તેઓએ આ મુદ્દે ફોર્મ ન ભરતા પત્રકારત્વ ભવનના વડા નીતાબેન ઉદાણીએ ફોર્મ ભર્યું હતું અને તેઓ બિનહરીફ સિન્ડીકેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા. આજની સિન્ડીકેટ તેઓની પહેલી સિન્ડીકેટ હતી.