મુખ્ય સચિવે કાર્યક્રમના મુખ્ય સ્થળોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા: કલેક્ટર-કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ નિરીક્ષણમાં જોડાયા

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે રાજકોટ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પ્રસંગે યોજાનારા મુખ્ય કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મુખ્ય સચિવને રાજકોટ ખાતે યોજાનારા શ્રેણીબધ્ધ કાર્યક્રમોથી માહિતગાર કર્યા હતા. મુખ્ય સચિવશ્રી રાજકોટ ખાતે યોજાનારા મહિલા-યુવા-કિસાન સંમેલન,  હસ્ત કલા પર્વ, સાંસ્કુતિક- દેશભક્તિસભર કાર્યક્રમો, એટ હોમ તથા વિકાસકામોના લોકાર્પણ કાર્યક્રમની રજે-રજ વિગતોથી વાકેફ થયા હતા. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રસારિત થનારા રાજ્યપાલના પ્રજાજોગ સંદેશાનું નિયત સમયે પ્રસારણ કરાવવા, તમામ સરકારી વિભાગોને યોગ્ય પારસ્પરિક સંકલન જાળવવા, હસ્તકલા પર્વના સ્ટોલ્સની સુગમતાપૂર્વક ગોઠવણ કરવા, વિવિધ ટેબ્લોઝની યોગ્ય રજુઆત કરવા, ટ્રાફિક અને પાર્કિંગની સુચારૂ વ્યવસ્થાની જાળવણી કરવા, સામાન્ય નાગરીકોની વધુ ને વધુ સામેલગીરી કરવા તથા તેમને અડચણ ન પડે તે બાબતનું ધ્યાન રાખવા ઉપસ્થિત તમામ અધિકારીઓને મુખ્ય સચિવે ખાસ તાકીદ કરી હતી.

chief sec 14

મુખ્ય સચિવે પ્રજાસત્તાક પર્વ પ્રસંગે યોજાનારા તમામ કાર્યક્રમો તેના નિયત સમય મુજબ જ યોજાય, તે બાબતને ટોચઅગ્રતા આપવા ઉપસ્થિત અધિકારીઓને ને કડક સૂચના આપી હતી.સામાન્ય વિભાગના અગ્ર સચિવ કમલ દયાનીએ તમામ સરકારી વિભાગોના વડાઓને વ્યક્તિગત સૂચનાઓ આપી હતી, અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો પ્રોટોકોલ જાળવવા પર ભાર મુકયો હતો. અગ્રસચિવ દયાનીએ તમામ સરકારી વિભાગોની કામગીરીનું સમગ્રતયા વિશ્લેષણ કર્યું હતું. અને કાર્યક્રમોના આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે જોવા માટે અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી.

જિલ્લા કલેકટરે મુખ્ય સચિવને રાજકોટ જિલ્લા તથા શહેરોમાં યોજાનારા વિવિધ વિકાસકામો અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં કુલ ૨૦૪ લોકાર્પણના અને ૧૩૮ ખાતમુહૂર્તના કામો યોજાશે. મુખ્યમંત્રીના રાજકોટ ખાતેના ૨૪-૨૫-૨૬ જાન્યુઆરી દરમ્યાનના ત્રિદિવસીય રોકાણ દરમ્યાન થનારા લોકકલ્યાણલક્ષી કામોની તથા અન્ય બાબતોની સવિસ્તર જાણકારી પણ કલેકટરે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.

મુખ્ય સચિવ અનિલ મુકીમે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર પર ચાલી રહેલી ફલેગ ઓફ યુનિટી કાર્યક્રમની તૈયારી રસપૂર્વક નિહાળી હતી, અને ઓરીગામી મુજબ બનાવાતી રંગીન કાગળની  વિવિધ ગડીઓ જાતે બનાવી હતી. આ કાર્યક્રમના આયોજન બદલ મુખ્ય સચિવે જિલ્લા કલેકટરની સરાહના કરી હતી.

મુખ્ય સચિવ અનિલ મુકીમે રેસકોર્સ ગ્રાઉન્ડ, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, મહાત્મા ગાંધી મ્યુઝીયમ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી, અને તમામ કાર્યક્રમોનો વિઘ્નરહિત અમલ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને  સ્થળ પર જ સૂચના આપી હતી.

આ કાર્યક્રમમાં પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, પોલિસ અધિકારી નીરજા ગોટરૂ, પોલિસ અધિક્ષક બલરામ મીના, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્વેતા તીઓટીયા, નગરપાલિકા નિયામક સ્તુતિ ચારણ, માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જીનીયર વસાવા, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી તથા ચરણસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, જિલ્લા ચૂંટણી અધિકારી ધાધલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.